Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સેકસવર્કર પણ સેવા આપવાનો ઇન્કાર કરી શકે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી તા. ૩ : સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૦ના વડી અદાલતના ચુકાદાને પલટાવીને નીચલી કોર્ટે ચાર વ્યકિતને ૧૦ વર્ષની કરેલી સજાને કાયમ રાખતાં જણાવ્યું છે કે પૂર્વ રૂપજીવિનીને પણ તેની સેવાનો ઇનકાર કરવાનો તેમજ તેનાં પર દબાણ થાય તો તે માટે ન્યાય મેળવવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે ૧૯૯૭માં રાજધાનીમાં સર્જાયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં ચુકાદો આપતાં તે કેસના અપરાધીઓને બાકીની સજા કાપવા કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારવા ફરમાવ્યું હતું.

કોર્ટે કહ્યું કે એવું માની લઈએ કે મહિલાનું ચારિત્ર્ય સારું નહોતું, તેમ છતાં તે મહિલાને પણ કોઈને તાબે થયા વિના જાતીય સમાગમ માટે ઇનકાર કરવાનો અધિકાર છે. જસ્ટિસ આર. ભાનુમતી અને ઇંદિરા બેનરજીની બનેલી બેન્ચે હાઇકોર્ટે કાઢેલાં તારણોને ક્ષતિપૂર્ણ જણાવ્યાં હતાં. આક્ષેપ કરનારી મહિલા એક રૂપજીવિની હતી અને પોતાને ખોટી રીતે સંડોવવા આક્ષેપ કરી રહી છે તે મુજબની આરોપીઓની રજૂઆતને માની લેવામાં હાઇકોર્ટે ભૂલ કરી હોવાનું સુપ્રીમે જણાવ્યું હતું. ચાર વ્યકિતને ખોટી રીતે સંડોવ્યા બદલ ત્રણ પોલીસજવાનો સામે ફરિયાદ કરવા હાઇકોર્ટે આપેલાં ફરમાનને સુપ્રીમ કોર્ટે રદ કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો હતો. નીચલી અદાલતે કહ્યું હતું કે આરોપીઓ કહી રહ્યા છે તે મુજબ મહિલા ઊતરતું ચારિત્ર્ય ધરાવતી હોય તો પણ આરોપીઓને તે મહિલાની મરજી વિના તેના પર દુષ્કર્મ આચરવાનો અધિકાર નહોતો. મહિલાનું ચારિત્ર્ય ઊતરતી કક્ષાનું હોય તો પણ તેના પર દુષ્કર્મ તો ના જ કરી શકાય. પીડિતા જાતીય સમાગમની આદત ધરાવતી હોય તો પણ તેના પર દુષ્કર્મ આચરવાની છૂટ આપી ના શકાય.

(12:00 pm IST)