Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

હેમંત સોરેનના સાથીના ઘરેથી સીએમની પાસબુક-ચેકબુક મળી

ગેરકાયદેસર ખનન મામલે ઝારખંડના સીએમની મુશ્કેલી વધી : સોરેને પદનો લાભ લઈ માઈનિંગ લીઝનું ખાતું પોતાને હસ્તક રાખ્યું હતું, તેથી તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

રાંચી, તા.૩ : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ગેરકાદેસર ખનનના મામલે મુશ્કેલીઓ વધી રહી છે. તેમના નજીકના સાથી અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના નેતા પંકજ મિશ્રાના ઘરેથી દરોડા દરમિયાન સીએમની એક બેક્ન પાસબુક, સહી કરેલ અને સહી વગરની ચેકબુક મળી આવી છે. ઈડીનું કહેવું છે કે, મિશ્રા રાજ્યમાં કથિત ગેરકાયદેસર ખનન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી છે.

મિશ્રાની ૧૯ જુલાઈના રોજ પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. આ કેસમાં મિશ્રા ઉપરાંત તેના સહયોગી બચ્ચુ યાદવ અને પ્રેમ પ્રકાશને આરોપી બનાવવામાં આવ્યા છે. બંનેની અનુક્રમે ૪ અને ૫ ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.

ઈડીએ ૮ માર્ચના રોજ સાહિબગંજ જિલ્લામાં એફઆઈઆરના આધારે મિશ્રા અને અન્યોની સામે કથિત મની લોન્ડરિંગ કેસમાં તપાસ શરૃ કરી હતી. ૧૬ સપ્ટેમ્બરના રોજ ફેડરલ એજન્સીએ સ્પેશિયલ પીએમએલએ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ જેવી ફરિયાદમાં જેએમએમના ભૂતપૂર્વ ખજાનચી રવિ કેજરીવાલનું નિવેદન નોંધ્યું હતું. તેમણે કથિત રીતે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમની હાજરીમાં મિશ્રાને 'સંથાલ પરગણાથી પથ્થર અને રેતીના ખનન વ્યવસાયોમાંથી આવતા નાણાં સીધા પ્રેમ પ્રકાશને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.'

ઝારખંડ પોલીસને ૨૪ ઓગસ્ટના રોજ રાંચીમાં દરોડા દરમિયાન પ્રકાશના ઘરેથી બે એકે-૪૭ મળી આવી હતી. સોરેને પદનો લાભ લઈ માઈનિંગ લીઝનું ખાતું પોતાને હસ્તક રાખ્યું હતું. તેથી તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઓગસ્ટમાં ચૂંટણી પંચે સોરેનને અયોગ્ય ઠેરવતી અરજી ઉપર રાજ્યપાલ રમેશ બૈસને પોતાનો અભિપ્રાય મોકલ્યો હતો. મુખ્યમંત્રીની વિનંતી છતા પંચે અભિપ્રાય જાહેર કરવાનો ઈનકાર કર્યો છે.  સોરેનના સચિવ વિનય ચૌબેએ આ અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે તેમના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદે ઈડીની ચાર્જશીટને લગતા કોલ અને મેસેજનો જવાબ આપ્યો નથી. જેએમએમના પ્રવક્તા મનોજ પાંડેએ જણાવ્યું હતું કે પાર્ટી વિચારણા હેઠળના મુદ્દા ઉપર ટિપ્પણી કરશે નહીં. ચાર્જશીટ પ્રમાણે ૮ જુલાઈના રોજ સાહિબગંજ જિલ્લામાં મિશ્રાના નિવાસ સ્થાન પર ઈડીના દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોમાં સોરેનની પાસબુકનો પણ સમાવેશ પણ થાય છે.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, એક સીલબંધ કવરમાં એક પાસબુક અને બે ચેકબુક છે. તેમાંથી સહી કરેલ ચેક -૦૦૪૭૧૮ અને ૦૦૪૭૧૯ છે. આ સિવાય ૩૧ બ્લેક્ન ચેક જેના નંબર ૦૦૫૭૨૦ થી ૦૦૪૭૫૦ છે, બેંક ઓફ ઈન્ડિયા, ગંગાપ્રસાદ બ્રાન્ચ, સાહિબગંજના છે. આ તમામ ઉપર હેમંત સોરેનના નામે એકાઉન્ટ નંબર 5932xxxxxxxxxxx થી સંબંધિત છે. ઈડીએ ઉપરોક્ત ૩ આરોપીઓ સામેના આરોપો સાબિત કરવા માટે કેજરીવાલ સહિત ૪૩ સાક્ષીઓની યાદી અને તેમના રેકોર્ડ કરેલા નિવેદનોની યાદી પણ પ્રદાન કરી છે.

(7:50 pm IST)