Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

માઠા સમાચાર... મોંઘવારીમાં હમણાં રાહત નહીં મળે

જો કે આ માટે સામાન્‍ય માણસે હજુ પણ ૧ થી વધુ વર્ષ માટે રાહ જોવી પડી શકે છે : આ વર્ષે દિવાળી સહિતના તહેવારો મોંઘવારી વચ્‍ચે પિસાતા કાઢવા પડી શકે છે

નવી દિલ્‍હી,તા.૩: સતત ઊંચો ફુગાવો ચાલુ રહેવો એટલે કે મોંઘવારી સતત ઊંચા સ્‍તરે રહેવી તે ભારતીય રિઝર્વ બેંક (RBI) માટે એક મહત્‍વપૂર્ણ નીતિ વિષયક ચિંતા છે, પરંતુ પૂરતા વરસાદ અને વૈશ્વિક સપ્‍લાય ચેનની સમસ્‍યાઓઓ હળવી થવાને કારણે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દબાણ હળવું થવાની સંભાવના છે. આરબીઆઈના એક રિપોર્ટમાં આ અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું છે.

આરબીઆઈના આ રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે એપ્રિલ ૨૦૨૩થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષમાં રિટેલ મોંઘવારી નિયંત્રણમાં આવશે અને તેનું સ્‍તર ૫.૨ ટકા રહેવાની આશા છે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં તે ૬.૭ ટકા રહેવાનો અંદાજ છે.

‘મોનેટરી પોલિસી રિપોર્ટ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨'માં RBIએ જણાવ્‍યું હતું કે, ‘સારું ચોમાસું, સપ્‍લાય ચેનમાં સતત વિક્ષેપો દૂર થવા અને અન્‍ય કોઈ બાહ્ય કે નીતિગત આંચકા ન લાગે તેવા સંજોગોમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ફુગાવો સરેરાશ ૫.૨ ટકા રહેશે તેવું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું હબતું.'

જાન્‍યુઆરી ૨૦૨૨ થી મોંઘવારીનું સ્‍તર આરબીઆઈની સંતોષકારક ઉપલી મર્યાદા (૬ ટકા)થી ઉપર રહ્યું છે. એપ્રિલમાં ફુગાવો ૭.૮ ટકાના ઓલ ટાઈમ હાઈ સ્‍તરે પહોંચ્‍યો હતો, જો કે તે પછીથી ઘટવાનું શરૂ થયું હતું, તેમ છતાં તે અસ્‍વીકાર્ય ઉચ્‍ચ સ્‍તરથી ઘણો ઉપર રહે છે.

ફુગાવાને કાબૂમાં રાખવા માટે આરબીઆઈએ શુક્રવારે પોલિસી રેટ રેપોમાં ૦.૫ ટકાનો વધારો કરીને ૫.૯ ટકા કર્યો છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફુગાવાના અનુમાનને ૬.૭ ટકા પર જાળવી રાખ્‍યું છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં તે ૬ ટકાની આસપાસ રહેવાની ધારણા છે. 

(10:40 am IST)