Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દવાખાનામાં જ બની રહ્યો હતો દારૂ ! વિદેશી દારૂની બોટલ્‍સ, રેપર વગેરે જપ્‍ત કરાયા

આરોપી ડોક્‍ટરે પોતે દવામાંથી દારૂ બનાવતો હોવાનું કબૂલ્‍યું

પટના, તા.૩:  બીજી ઓક્‍ટોબર, મહાત્‍મા ગાંધીની જન્‍મજયંતિ નિમિત્તે દેશભરમાં ‘ડ્રાય ડે' હોય છે. મતલબ કે, જે રાજયોમાં દારૂના વેચાણની મંજૂરી હોય ત્‍યાં પણ આ દિવસ પૂરતું દારૂની દુકાનો બંધ રહે છે. ત્‍યારે ગાંધી જયંતિ પર જ સંપૂર્ણપણે દારૂબંધીનો દાવો કરતી બિહાર સરકારની પોલ ફરી એક વખત ખુલી ગઈ છે.

આબકારી વિભાગે દારૂનું ઉત્‍પાદન કરતી એક એવી ફેક્‍ટરી પર દરોડો પાડ્‍યો છે જેના આગળ ‘ક્‍લિનિક' લખેલું બોર્ડ મારેલું હતું. આ ઘટના બિહારના હાજીપુર (વૈશાલી) ખાતેની છે. વૈશાલી ખાતેથી એક ડોક્‍ટર મોંઘા વિદેશી દારૂની ફેક્‍ટરી ચલાવતો ઝડપાયો છે. આ ડોક્‍ટરે પોતાના કાળા કારનામાને છુપાવવા માટે દારૂની ફેક્‍ટરીમાં પન્‍ચિંગ મશીન, રેપર, સ્‍પિરિટ, બોટલ વગેરે સામાન રાખ્‍યો હતો.

આરોપી ડોક્‍ટરે પોતાની ફેક્‍ટરી આગળ ક્‍લિનિકનું બોર્ડ માર્યું હતું અને પુછપરછ દરમિયાન તેણે પોતે દવામાંથી દારૂ બનાવતો હોવાનું કબૂલ્‍યું હતું. આબકારી વિભાગે ગુપ્ત સૂચનાના આધાર પર ફેક્‍ટરીમાં દરોડો પાડ્‍યો હતો અને ત્‍યાંથી વિદેશી દારૂની બોટલના અનેક રેપર, બોટલ્‍સ, પન્‍ચિંગ મશીન, દવા વગેરે મળી આવ્‍યા હતા. તે સિવાય ૩ ડ્રમ ભરીને પ્રતિબંધિત સ્‍પિરિટ મળી આવ્‍યું હતું. આબકારી વિભાગ અને પોલીસની સંયુક્‍ત ટીમે સુરેશ કુમાર નામના તે ડોક્‍ટરની પણ ધરપકડ કરી લીધી હતી.

(10:36 am IST)