Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

તું કાલીને કલ્‍યાણી રે માં

નોરતુ ૮મું : યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં

આપણા હિન્‍દુ ધર્મ અને સંસ્‍કૃતિની પરંપરાને અનુસરી નવરાત્રીના નવ દિવસ સુધી સમગ્ર વિશ્વમાં સહુથી લાંબો ચાલનાર ઉત્‍સવ ઉજવવામાં આવે છે લોકો નાત-જાત, ઉંચનીચ, ગરીબ તવંગરના ભેદ ભૂલાવી દૈવે હૈયે મીલાવી સતત નવ દિવસ અને નવરાત્રી સુધી માતાજીના ભકિતના રંગમાં રંગાઇ જાય છે.

લોકો નવરાત્રી દરમ્‍યાન શા માટે માતાજીની જ આરાધના કરે છે અને માતાજીની ભકિતના રંગમાં રંગાઇ જાય છે ? આવો પ્રશ્ન કોઇને ઉદભવતો નથી. કારણ બધા જાણે છે કે આ સૃષ્‍ટીના સર્જન, પાલન અને અંત માટે આમ તો બ્રહ્માજી, વિષ્‍ણુ અને ભગવાન મહાકાલને કારણભૂત ગણવામાં આવ્‍યા છે. પરંતુ આ ત્રણેય દેવોએ પોતાની એ શકિત જંગદંબા પાસેથી મેળવી છે જયારે જયારે દેવ લોક, પૃથ્‍વી લોક પર સંકટ આવ્‍યુ છે ત્‍યારે બધા એકી અવાજે  માં ને જ પોકારે છે અને માં પણ પોતાના જૂદા જુદા રૂપ અને શકિત સાથે આવી દેવલોક, પૃથ્‍વીલોકમાં બધાને ત્રાસમુકત કરે છે. અને એટલે જ મા ની ભકિત નવ નવ દિવસ સુધી કરી માની કૃપા, માનો આનંદ અને માની કરૂણા પ્રાપ્ત કરવા સહુ કોઇ પોત પોતાની રીતે પ્રયત્‍ન કરે છે.

‘દુર્ગા શકિત' માં જણાવ્‍યા મુજબ ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોએ પૃથ્‍વી પરના બધા રાજાઓને હરાવીને ત્‍યારબાદ સ્‍વર્ગમાં ઇન્‍દ્ર ને હરાવી તેનુ ઇન્‍દ્રાન છીનવી લીધેલ. અને સૂર્ય, ચંદ્ર, કૂબેર, તથા વરૂણ, વાયુ, અગ્નિના અધિકારી છીનવી લઇ તેમને સ્‍વર્ગમાંથી કાઢી મુકયા અને પોતે તેમના અધિકાર ભોગવવા માંડયા અને ચારે બાજુ હાહાકાર વર્તાવી દીધેલો. એ વખતે બધા દેવતાઓ ભેગા થઇને મા જગદંબા ના શરણે ગયા અને ભગવતી ની ભકિત કરવા લાગ્‍યા. એ સમયે હિમાલય પુત્રી પાર્વતી દેવી ત્‍યાં આવી ચડયા.

અને દેવતાઓને પુછયુ કે તમે શા માટે આવ્‍યા છો ? અને કોની સ્‍તુતિ કરો છો? દેવતાઓ જવાબ આપે તે પહેલા જ માતા પાર્વતીના શરીરમાંથી એક અપૂર્વ તે જ પ્રગટ થયુ અને સુંદરસ્ત્રી રૂપ ધારણ કરી કહયું કે તેઓ મારી સ્‍તુતી કરી રહ્યા છે. પાર્વતી માતાના ફોટામાંથી ઉત્‍પતી થયેલા તે દેવી શ્રી કૌશિકી નામની જયપ્રખ્‍યાત થયા. માતા પાર્વતીના શરીરમાંથી તે જ નીકળ્‍યા બાદ તે મુળ પ્રથમનું શરીર કૃષ્‍ણા સ્‍વરૂપે થઇ ગયુ અને કાલિકા નામથી પ્રખ્‍યાત થયું. માં પાર્વતીના શરીરમાંથી ઉત્‍પતિ થયેલ ને અતિસુંદર રૂપધારી દેવીને જોઇ ચંડ-મૂંડે પોતાના રાજા શુંભ ને તેની સાથે લગ્ન  કરવા ઉશ્‍કેર્યો, અસૂર શુંભના અનેક દૈત્‍યોને મારી નાખ્‍યા બાદ ચંડ-મૂંડ પોતે તે દેવી સાથે યુધ્‍ધ કરવા આવ્‍યા જેનો પણ માતાજીએ વધ કર્યો અને તે બન્ને રાક્ષસોના મસ્‍તકોને હાથમાં પકડી માતા અંબિકા સમક્ષ ધર્યા જેથી શ્રી અંબિકાએ તે કાલિકાનુ નામ ચંડ-મૂંડનો નાશ કર્યો હોવાથી ચામૂંડા પાડયુ અને કહયું કે મહાકાલી માતા પૃથ્‍વી પર અને સર્વની ચામુંડા દેવી તરીકે પૂજાશે.

આમ મા ચામુંડા ના અનેક મંદિરો આપણે જૂદી જૂદી જગ્‍યાએ સ્‍થાપીત થયેલા જોઇએ છીએ. જયા માતાજી ચંડી- ચામુંડા, ચામુંડેશ્વરી માતારૂપે અનેક લોકોના કૂળદેવી તરીકે પૂજાય છે.

રાજકોટથી ૪૭ કિ. મી. દૂર ચોટીલામાં પણ ચામુંડા માતા બિરાજે છે. ૧૧૭૩ ફીટ ઉંચાઇએ ડુંગર પર ૬ર૦ પગથીયા ચડીને માતા દર્શન કરી શકાય છે. નવરાત્રીમાં લાખોની સંખ્‍યામાં લોકો અહીં આવે છે અને મા ના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે. હજારો લોકો ગામોગામથી પગે ચાલીને  માતાજીની માનતા પૂરી કરવા આવે છે. અને મા પણ બધાની આશા પુરી કરે છે. જય ચામુંડા માં

દીપક એન. ભટ્ટ

(10:37 am IST)