Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ચૂંટણી વેળા ભાજપને મંદિર દેખાય છે : દિગ્વિજયનો મત

મંદિર મુદ્દે ભાજપ ઉપર ફરી એકવાર પ્રહારો કર્યા : રાફેલ ડિલ મુદ્દે પણ એનડીએ સરકાર ઉપર પ્રહાર કર્યા

નવી દિલ્હી,તા. ૩ : કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે આજે રામ મંદિરના મુદ્દે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. દિગ્વિજયસિંહે ભાજપ ઉપર ટકોર કરતા કહ્યું હતું કે, ચૂંટણી આવતાની સાથે જ તેમને રામ મંદિર યાદ આવી જાય છે અને ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ રામ મંદિરને ભુલી જાય છે. પટણામાં રાફેલ ડિલના સંદર્ભમાં કેન્દ્ર સરકાર ઉપર દિગ્વિજયસિંહે આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાફેલ સોદાબાજીને લઇને ખોટા નિવેદન કરી રહી છે. લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિપક્ષી સરકાર સતત રાફેલની કિંમતને લઇને પ્રશ્નો કરી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઇ જવાબ આપવામાં આવી રહ્યા નથી. સરકાર રાફેલ વિમાનો અંગે માહિતી આપી રહી નથી. આ મામલામાં વડાપ્રધાન મોદીના રાજીનામાની પણ તેઓએ માંગ કરી હતી. મહાગઠબંધનના સંદર્ભમાં પુછવામાં આવતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે, આને લઇને કોઇપણ પ્રકારની શંકા દેખાઈ રહી નથી. ચૂંટણી પહેલા મહાગઠબંધનનું સ્વરુપ બની જશે. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, ૧૯૭૭માં જનતા પાર્ટી મહાગઠબંધન ચૂંટણીના થોડાક દિવસ પહેલા જ બન્યું હતું. આ વખતે મહાગઠબંધન મોટા કદનું રહેશે અને સફળ રહેશે. મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પાર્ટીની જીત ચોક્કસપણે થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અભૂતપૂર્વ વધારો થઇ રહ્યો છે. આ કિંમતોના કારણે લોકો પરેશાન છે. મોંઘવારીના મુદ્દે જ ભાજપ સરકારને લોકો ફગાવી દેશે. દિગ્વિજયસિંહને લઇને કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ નાખુશ દેખાઈ રહ્યા છે. કારણ કે, તેમના આડેધડ નિવેદનના લીધે જ માયાવતીને પીછેહઠ કરી જવાની ફરજ પડી છે.

(7:30 pm IST)