Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

એસપી શોભા ભૂતડાની ઇન્ટેલિજેન્સ બ્યુરોમાં નિમણૂંક: પોલીસ કર્મીઓએ દોરડા વડે ગાડીને રથની જેમ ખેંચીને આપી વિદાય

પોલીસ વિભાગે ગુલાબના ફૂલ બીછાવીને તેમનું સ્વાગત કર્યું : એસપી શોભા ભૂતડા ભાવુક થયા

પાટણના એસપી શોભા ભૂતડાની ઇન્ટેલિજેન્સ બ્યુરો(IB)માં જોઇન્ટ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરાઈ છે તેઓ દિલ્હી જશે. પાટણ પોલીસ વિભાગ તરફથી શોભા ભૂતડાને વિદાય આપવા માટે આયોજન કરાયું હતું. જેમાં પાટણ પોલીસ વિભાગે ગુલાબના ફૂલ બીછાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન SP શોભા ભૂતડા ભાવુક થયા હતા.

શોભા ભૂતડાએ એક વર્ષ પહેલા પાટણ જિલ્લાના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદથી જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. તેમના કાર્યકાળમાં જિલ્લાવાસીઓ ડર વિના સુખ-શાંતિથી જીવન જીવી શક્યા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ દોરડા વડે તેમની ગાડીને રથની જેમ ખેંચીને તેમને વિદાય આપી હતી. મહત્વનું છે કે, પાટણમાં કડક છબીને લઇ શોભા ભૂતડા પ્રખ્યાત થયા હતા.

મૂળ મહારાષ્ટ્રના શોભા ભૂતડા મહેનત કરીને IPS બન્યા છે. તેમણે જામનગરમાં SRPF કેમ્પમાં ફરજ બજાવી હતી. મહિલા અધિકારી શોભા ભૂતડાએ બીકોમમાં અભ્યાસ કર્યો છે. જ્યારે તેઓ 2008માં યુપીએસસી પાસ આઉટ થયા હતાં. સ્કુલમાં અભ્યાસ કરતાં ત્યારે તેમને અંગ્રેજી ખૂબ જ કાચું હતું. અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહેનત કરી તો બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ આવ્યા હતાં. જ્યારે સ્કુલ તરફથી ચેન્નઈ ટ્રિપમાં ગયા હતા ત્યારે અંગ્રેજી બોલવામાં બહુ જ તકલીફ પડતી હતી જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બે દિવસ અમારે ધર્મશાળામાં રોકાવું પડ્યું હતું.

શોભા ભૂતડાએ 2018માં પાટણ જિલ્લાના SP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે એક વર્ષ પાટણ જિલ્લામાં ફરજ બાદ 3 સપ્ટેમ્બરના રોજ પાટણ જિલ્લા પોલીસ પરીવાર દ્વારા તેમને વિદાય સમારંભ યોજાયો હતો. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ દોરડા વડે તેમની ગાડીને રથની જેમ ખેંચીને વિદાય આપી હતી. તો SP શોભા ભૂતડા પણ ભાવુક થયા હતા.

(12:04 am IST)