Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

પૂર્વ CM અજીત જોગીના પુત્ર અમિત જોગીની બનાવટી દસ્તાવેજ કેસમાં ધરપકડ

આ મામલે બીજેપી નેતા સમીરા પૈક્રા તરફથી ફરિયાદ કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૩: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર તેમજ પૂર્વ ધારાસભ્ય અમિત જોગીની બનાવટી દસ્તાવેજના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ૪૨ વર્ષીય અમિત જોગીની બિલાસપુર ખાતેથી તેમના નિવાસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. અમિત જોગી પર આરોપ છે કે તેણે તેની ચૂંટણીના સોગંદનામામાં તેના જન્મસ્થળ અને જન્મ તારીખની ખોટી વિગત આપી છે.

આ મામલે બીજેપી નેતા સમીરા પૈક્રા તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. સમીરાએ વર્ષ ૨૦૧૩માં છત્તીસગઢની મારવાહી બેઠક પરથી અમિત જોગી સામે ચૂંટણી લડી હતી.

આ મામલે બીજેપી નેતા સમીરાએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી કે અમિત જોગીએ પોતાના ચૂંટણી સોગંદનામામાં પોતાની જાતિ અને જન્મ તારીખ વિશે ખોટી વિગતો લખી છે. ગયા અઠવાડિયા કોર્ટે આ મામલે થયેલી અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે વિધાનસભાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. જે બાદમાં આ મામલે બીજેપી નેતાએ નવી ફરિયાદ આપી હતી.બીજેપી નેતાએ દાવો કર્યો છે કે અમિત જોગીએ જાણીજોઈને પોતાના સોગંદનામામાં ખોટી વિગતો રજુ કરી છે. સોગંદનામા પ્રમાણે જોગીનો જન્મ ૧૯૭૮માં છત્તીસગઢના સરબેહના ગૌરેલા ગામ ખાતે થયો છે, પરંતુ હકીકત એવી છે કે તેમનો જન્મ ૧૯૭૭માં ટેકસાસ ખાતે થયો છે.

(3:34 pm IST)