Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

નોટબંધી ને જીએસટીથી નાના ધંધાર્થીઓની કમર તૂટી :લોન ડિફોલ્ટરો વધ્યા

નવી દિલ્હી : દેશમાં નાના વેપારીઓની હાલત બહુ ખરાબ છે. તેમનું લૉન ડિફોલ્ટ માર્જિન માર્ચ, 2017માં 8249 કરોડથી વધીને માર્ચ, 2018 સુધીમાં 1,61,218 કરોડ સુધીનું થઇ ગયું છે !

 અંગ્રેજી અખબાર'ઇન્ડિયન એક્સપ્રેસ' દ્વારા દાખલ એક આરટીઆઈના જવાબમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે, આ વધેલા લોન ડિફોલ્ટર્સમાં સરકારી બેન્કોનો હિસ્સો સૌથી વધારે છે. આ બેંકોના લૉન ડિફોલ્ટનો શેર 65.32% જેટલો છે.

  બે સપ્તાહ પહેલા રજુ કરવામાં આવેલા અન્ય એક અહેવાલમાં આરબીઆઇએ એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નોટબંધી અને જીએસટીથી ભારે નુકસાન થયું છે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો રત્ન અને આભૂષણ સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નોટબંધી બાદ રોકડની ભારે અછત આવી હોઈ; કોન્ટ્રાક્ટ ઉપર કામ કરનારા સંખ્યાબંધ મજૂરોને સમયસર વેતન સુદ્ધા મળી શકતું નથી.

   આરબીઆઇની મુદ્રાનીતિ વિભાગના હરેન્દ્ર બેહેરા અને ગરિમા વાહીએ જણાવ્યું હતું કે, આ પ્રકારે જીએસટીના આવવાથી નાના ઉદ્યોગો પણ ટેક્સની સીમામાં આવી ગયા છે, જેને લીધે તેનો ખર્ચ વધ્યો છે. આ કારણે તેમને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે

   આરબીઆઇ દ્વારા કરાયેલા એક સર્વેક્ષણથી માલુમ પડે છે કે, નાના જિલ્લાઓનો વિકાસ દર ઘટ્યો છે જયારે આ પૂર્વે અહીંનો ગ્રોથ રેટ સારો હતો. આ અહેવાલ મુજબ, નવેમ્બર, 2016થી ફેબ્રુઆરી, 2017ની વચ્ચે ક્રેડિટ ગ્રોથ ઘણો ઘટ્યો હતો. આ કારણે એવું માનવામાં આવતું હતું કે ગ્રોથ રેટમાં આ ઘટાડો નોટબંધીના કારણે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવા મળ્યો છે. જયારે નાના વ્યાપારીએ બાદમાં આ રિકવર કરી લેતા ક્રેડિટ ગ્રોથ 8.5 ટકા થઇ ગયો.

(1:34 pm IST)