Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

‘કામદારે’ જ અર્થતંત્રને બરબાદ કર્યું છેઃ સિબ્બલ

દેશમાં ક્યાંય રોજગાર નથી અને વધી રહેલી બેરોજગારીનું કોઈ સમાધાન પણ નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કપિલ સિબ્બલના પ્રહારો

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો હતો અને જણાવ્યું કે કથિત ‘કામદાર’એ જ ભારતના અર્થતંત્રને બરબાદ કરી દીધું છે. સિબ્બલે જણાવ્યું કે દેશમાં ક્યાંય રોજગાર નથી અને વધી રહેલી બેરોજગારીનું કોઈ સમાધાન પણ નથી.

સિબ્બલની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે અર્થતંત્રની સ્થિતિને લઈને સામ સામે તલવારો ખેંચાઈ છે. મોદીએ રવિવારે યુપીએ સરકારને એનપીએ વધારવા અને તેનો વારસો છોડવા માટે જવાબદાર ઠેરવી હતી. કોંગ્રેસના નેતાએ મોદીની હાંસી ઉડાવતા ટ્વીટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અનેક વખત જાહેર સંબોધનમાં તેમને દેશના કામદાર તરીકે ગણાવે છે.  

સિબ્બલે જણાવ્યું કે, ‘મીડિયામાં સારી બાઈટ માટે કોઈ માહિતી વગર આક્ષેપ કરવો, એ મોદીજીની કુચેષ્ઠાનો પુરાવો છે. કથિત કામદારે ભારતના અર્થતંત્રને બરબાદ કરી દીધું છે. ક્યાંય રોજગાર નથી અને બેરોજગારીની સમસ્યાનો ઉકેલ પણ નથી દેખાતો.’ સિબ્બલના મતે સત્તામાં રહેલી ભાજપ જ દેશની સૌથી મોટી એનપીએ છે.

(10:50 am IST)