Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઇવીએમની સુરક્ષા ખાનગી સુરક્ષા ગાર્ડને સોંપાશે નહીં

લોકસભા-વિધાનસભા ચૂંટણીની તૈયારી જારી : ચૂંટણી પંચ દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યા : પ્રારંભિક તૈયારી

નવીદિલ્હી, તા. ૨ : ચૂંટણી પંચે આ વર્ષના અંતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રક્રિયાને વ્યવસ્થિત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે વિધાનસભા અથવા તો લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી ઇવીએમ અને વીવીપેટ મશીનોના સ્થળોની સુરક્ષામાં માત્ર સશસ્ત્ર પોલીસ દળોની ગોઠવણીની સુચના આપી છે. પંચે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને સૂચના આપીને કહ્યું છે કે, જ્યાં ઇવીએમ અને વીવીપેટ મશીનો રાખવામાં આવ્યા છે તે કેન્દ્રો ઉપર સુરક્ષા વ્યવસ્થા કોઇપણ ખાનગી સુરક્ષા એજન્સીઓના ગાર્ડને સોંપવામાં ન આવે તે જરૂરી છે. સિવિલ ડિફેન્સ, બિનપોલીસ સેવાના સુરક્ષા કર્મીઓ અને સ્વૈચ્છિક લોકોને જવાબદારી ન સોંપવા માટે પણ સૂચના આપી છે. ચૂંટણી પંચે ચૂંટણી પહેલા મશીનોની પ્રારંભિક તબક્કાની તપાસ અને સુરક્ષા સાથે જોડાયેલા પાસાઓને લઇને ગયા વર્ષે ૩૦મી ઓગસ્ટના દિવસે જારી કરેલા વિસ્તૃત દિશાનિર્દેશમાં આ સ્પષ્ટીકરણને સામેલ કરીને ૨૯ ઓગસ્ટના દિવસે આદેશ કર્યો હતો. પંચના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કરતા કહ્યું છે કે, છેલ્લા આદેશમાં મશીનોના વેરહાઉસ અને સ્ટ્રોંગરુમની સુરક્ષા મજબૂત રાખવામાં આવશે. ૨૪ કલાક સશસ્ત્ર પોલીસ જવાનો નજર રાખશે. ખાનગી સુરક્ષા સંસ્થાઓના સુરક્ષા ગાર્ડ અથવા તો સિવિલ ડિફેન્સના ગાર્ડને તૈનાત કરવામાં આવશે નહીં. જો કે, આ સંદર્ભમાંથોડીક રાહતો આપવામાં આવી છે. આદેશમાં પંચે છુટછાટ આપતા કહ્યું છે કે, નિયમિત પોલીસ જવાનોની તૈનાતી જ્યાં ન થઇ શકે ત્યાં હોમગાર્ડના જવાનોનો ઉપયોગ કરી શકાશે. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાથી રેકોર્ડિંગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

(12:00 am IST)