Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

દેશમાં ડુંગળીનાં નીચા ભાવને લઈને ખેડૂતો હવે આંદોલનના માર્ગે જવાની તૈયારીમાં ! : ૧૬ ઑગસ્ટથી વેચાણ બંધ કરશે

દેશમાં મોંઘવારી વધી રહી છે, પંરતુ ડુંગળીના ભાવ નીચાને નીચા જ છે, ખેડૂતોની ઉત્પાદન પડતર જેટલા પણ ભાવ નથી મળતા : ભારત ડિઘોલો

મુંબઈ તા.03 : દેશમાં ડુંગળીના નીચા ભાવને લઈને ખેડૂતો હવે આંદોલનના માર્ગે જવાની તૈયારી કરી રહ્યા છે. ડુંગળીના ભાવ દિવસેને દિવસે ઘટતા જઈ રહ્યા છે. જેને લઈ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે દેશના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતોએ ડુંગળીના ભાવ કિલોના ૨૫થી ૩૦ રૂપિયા ન મળે તો ૧૬ ઑગસ્ટથી ડુંગળીનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર ખેડૂતો ઉત્પાદનક સંગઠનના અધ્યક્ષ ભારત ડિઘોલોએ જણાવ્યું હતું કે 'દેશ આઝાદ થયાનાં ૭૫ વર્ષ થઈ ગયાં છે અને તમામ ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે.

ખેતીમાં ઉપયોગી ખાતર, દવા અને બિયારણના ભાવ પણ વધી ગયા છે, પંરતુ ડુંગળીના ભાવ નીચાને નીચા જ છે. ખેડૂતોની ઉત્પાદન પડતર જેટલા પણ ભાવ મળ્યા નથી. પરિણામે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત તમામ ઉત્પાદક રાજ્યના ખેડૂતો સાથે અમે વાતચીત કરીને જ્યાં સુધી પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી ખેડૂતો કાંદાનું વેચાણ બંધ કરશે.'

તેમણે કહ્યું કે અમારી માગણી છે કે ખેડૂતોને ૨૫થી ૩૦ રૂપિયા પ્રતિ કિલોના ઍવરેજ ભાવ મળવા જોઈએ, જેની સામે અત્યારે કિલોના ૧૦થી ૧૨ રૂપિયા જ મળી રહ્યા છે. જો ખેડૂતો ડુંગળીનું વેચાણ બંધ કરશે તો દેશમાં સપ્લાય ચેઇન ખોરવાશે અને ભાવ ઊંચકાઈ જશે. નીચા ભાવને લઈને કેન્દ્રીય પ્રધાનો અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ખેડૂતોની વાત સાંભળતું નથી.

(9:40 pm IST)