Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મમતાએ કેબિનેટમાં કર્યા બદલાવ : 10 નવા ચહેરાઓને તક આપવામાં આવી

કેબિનેટ ફેરબદલમાં બાબુલ સુપ્રિયોનું નામ ચોકાવનારૂ : બાબુલ સુપ્રિયો ગત વર્ષે સપ્ટેમ્બરમ્મા જ BJP છોડી TMCમાં થયા હતા સામેલ

કોલકાતા તા.03 : ઇડીના પાર્થ ચેટર્જી  પર એક્શન બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેબિનેટમાં ફેરફાર કર્યા છે. બેનરજીએ પોતાની કેબિનેટમાં કુલ 10 નવા મંત્રીઓને સ્થાન આપ્યું છે. જેમાં એક ચોકાવનારૂ નામ બાબુલ સુપ્રિયો પણ સામેલ છે.

મમતા સરકારે આ કેબિનેટ ફેરબદલ એવા સમયે કર્યુ છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના મંત્રી પાર્થ ચેટરજીને કારણે ઘેરાયેલી છે. પાર્થ અને તેમના નજીકના અર્પિતા મુખરજીનું નામ શિક્ષક કૌભાંડમાં સામે આવ્યુ છે. બન્ને આ સમયે ઇડીની કસ્ટડીમાં છે.

ઇડીના એક્શન બાદ પાર્થ ચેટર્જીને મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા ત્યારે મમતા બેનરજીએ પહેલા જ ઇશારો કર્યો હતો કે તે પોતાના મંત્રી મંડળમાં કેટલાક નવા ચહેરાને સામેલ કરી શકે છે. વર્ષ 2021માં સરકાર બનાવ્યા બાદ મમતાનો આ પ્રથમ કેબિનેટ બદલાવ છે.

મમતા બેનરજીની કેબિનેટમાં બાબુલ સુપ્રિયો, સ્નેહાશીષ ચક્રવર્તી, પાર્થ ભૌમિકી, ઉદયન ગુહા, પ્રદીબ મજૂમદારને સ્થાન આપ્યું છે. તેમજ સ્વતંત્ર પ્રભાર મંત્રી બિપ્લવ રૉય ચૌધરી અને બીરબાહા હસદા પણ આ લિસ્ટમાં સામેલ છે. અને ખાસ કરીને રાજ્યમંત્રી તાજમુલ હુસૈન અને સત્યજીત બર્મનને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કેબિનેટ ફેરબદલમાં બાબુલ સુપ્રિયોનું નામ ચોકાવનારૂ છે. બાબુલ સુપ્રિયો સપ્ટેમ્બર 2021માં જ ભારતીય જનતા પાર્ટી છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. એપ્રિલ 2022માં તે બંગાળની બાલીગંજ બેઠક પરથી વિધાનસભા પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા બાબુલ સુપ્રિયોએ પોતાની લોકસભા બેઠક આસનસોલથી રાજીનામુ આપી દીધુ હતુ, તે બાદથી જ તેમણે ભાજપ છોડીને TMCમાં જોડાઇ ગયા હતા.

(8:18 pm IST)