Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ થતા કોંગ્રેસ લાલઘૂમ : કહ્યું- 5મીએ આંદોલન થશે:અમે બધા ગાંધીના સૈનિકો, ડરીશું નહીં

EDની કાર્યવાહી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, દિગ્વિજય સિંહ, પી. ચિદમ્બરમ અને અન્ય પાર્ટીના નેતાઓ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા :કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે પોલીસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરને ઘેરી લીધું

નેશનલ હેરાલ્ડ કેસમાં બુધવારે EDએ મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને તાળું મારી દીધું અને બહાર નોટિસ લગાવી કે તપાસ અધિકારીઓની પરવાનગી વિના ઓફિસ ખોલી શકાશે નહીં. આ પછી કોંગ્રેસ મુખ્યાલયની બહાર નાકાબંધી કરી દેવામાં આવી છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની આસપાસ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે

EDની કાર્યવાહી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, દિગ્વિજય સિંહ, પી. ચિદમ્બરમ અને અન્ય પાર્ટીના નેતાઓ પાર્ટી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે પોલીસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરને ઘેરી લીધું છે. કચેરીને પણ ઘેરી લેવામાં આવી છે. અમે આ મુદ્દે ક્યારેય મૌન નહીં રહીએ.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે સત્ય માટે સરમુખત્યારો સામે લડીશું. બદલાની રાજનીતિનું આ સૌથી ખરાબ સ્વરૂપ છે. આપણે સૌ ગાંધીજીના સૈનિક છીએ. તમને શું લાગે છે કે અમે ડરી જઈશું. અમે આ રીતે મોંઘવારી અને બેરોજગારી પર પ્રશ્નો પૂછતા રહીશું. આ બધુ જે થઈ રહ્યુ છે તે ભય દર્શાવે છે. હેડક્વાર્ટર સાથે જોડાયેલો રસ્તો બંધ કરવો એ સામાન્ય બાબત બની ગઈ છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયરામ રમેશના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું, કોંગ્રેસના મુખ્યાલય અને 10 જનપથને પોલીસ કેમ્પમાં ફેરવવાની આજની કાર્યવાહી અઘોષિત કટોકટી છે. નેશનલ હેરાલ્ડની ઓફિસને બળજબરીથી સીલ કરવામાં આવી હતી. જો સામાન્ય જનતા એનડીએની આ તાનાશાહી સરકાર સામે કોંગ્રેસીઓની સાથે નહીં ઊભી થાય તો આખા દેશને તેની અસર ભોગવવી પડશે.

 

(8:12 pm IST)