Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

લોકસભામાં 2019ની સાલથી પેન્ડિંગ ' પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ' કેન્દ્ર સરકારે પાછુ ખેંચી લીધું : બિલમાં નાગરિકોના અંગત ડેટાની ગોપનીયતાની સુરક્ષા પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી : સંસદની સંયુક્ત સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને ધ્યાને લઇ નવું બિલ રજૂ કરવાનો નિર્ણય

ન્યુદિલ્હી : લોકસભામાં 2019ની સાલથી પેન્ડિંગ ' પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ' કેન્દ્ર સરકારે પાછુ ખેંચી લીધું છે.આ બિલમાં નાગરિકોના અંગત ડેટાની ગોપનીયતાની સુરક્ષા પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી.પરંતુ હવે સંસદની સંયુક્ત સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને ધ્યાને લઇ નવું બિલ રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે બિલ પાછું ખેંચવાની દરખાસ્ત રજૂ કરી હતી જેમાં વ્યક્તિઓના અંગત ડેટાના સંબંધમાં તેમની ડિજિટલ ગોપનીયતાની સુરક્ષા પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી.

બિલ પાછું ખેંચવા માટે આઈટી મંત્રીના પ્રસ્તાવને ગૃહે ધ્વનિ મત દ્વારા મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે પીડીપી બિલ, 2019 પર સંસદની સંયુક્ત સમિતિ દ્વારા ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.તથા ડિજીટલ ઇકોસિસ્ટમ પર વ્યાપક કાયદાકીય માળખા માટે 81 સુધારાની દરખાસ્ત કરવામાં આવી હતી અને 12 ભલામણો કરવામાં આવી હતી."

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 11 ડિસેમ્બર, 2019 ના રોજ તત્કાલિન IT મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં વ્યક્તિઓના અંગત ડેટાનું રક્ષણ પૂરું પાડવા અને તેના માટે ડેટા પ્રોટેક્શન ઓથોરિટીની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી હતી.

આ બિલને ગૃહોની સંયુક્ત સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. સમિતિએ 16 ડિસેમ્બર, 2021 ના રોજ લોકસભામાં તેના પર એક અહેવાલ સુપરત કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:05 pm IST)