Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જવાહિરીના મોત બાદ યુએસે વિશ્વભરમાં એલર્ટ જાહેર કર્યું

અલ જવાહિરી યુએસના ડ્રોન હુમલામાં માર્યો ગયોઃઆતંકવાદી હુમલાઓ વારંવાર ચેતવણી વિના થતા હોવાથી યુએસના નાગરિકોએ હંમેશા સાવચેત રહેવાની જરૃર

ન્યુયોર્ક, તા.૩: અલકાયદાના ચીફ અલ જવાહિરીના મોત બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિશ્વભરમાં એલર્ટ જાહેર કર્યું છે. તમામ દેશોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વધુમાં જણાવ્યું હતું કે, અલ-કાયદાના ચીફ અલ-ઝવાહિરીના મોત બાદ અલ-કાયદા સમર્થકો અથવા તેની સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનો વિશ્વભરમાં રહેતા યુએસ કર્મચારીઓ અથવા નાગરિકો પર હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. આતંકવાદી હુમલાઓ વારંવાર ચેતવણી વિના થતા હોવાથી યુ.એસ.ના નાગરિકોએ હંમેશા સાવચેત રહેવાની જરૃર છે. વિદેશ પ્રવાસ દરમિયાન પોતાનું ધ્યાન રાખવું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, આતંકવાદીઓ અમેરિકાના મિત્ર દેશોને પણ નિશાન બનાવી શકે છે તેથી સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પણ દેખરેખ રાખવી જોઈએ. પાકિસ્તાનના એબટાબાદમાં માર્યો ગયેલો અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેનના મોત બાદ તેનો વારસો સંભાળી રહેલો આતંકવાદી અલ કાયદા ચીફ અલ જવાહિરી અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સગન સુરક્ષા વચ્ચે માર્યો ગયો. તેને કાબુલમાં શનિવારે અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએની વિશેષ ટીમના ડ્રોન હુમલામાં તેને ઠાર કર્યો છે.

અલ જવાહિરીના મોત બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, અમે જવાહિરીને ઠાર કર્યો છે. ૯/૧૧ના પીડિતોને ન્યાય મળી ગયો છે. વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડને ઘોષણા કરી કે, કાબુલમાં મિસાઈલ હુમલામાં અલ કાયદાનો આતંકવાદી અને ૯/૧૧ હુમલાનો માસ્ટરમાઈન્ડ અલ જવાહિરીને શોધીને ઠાર કરવામાં આવ્યો છે. તેમણે રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું કે, અમેરિકા અને અહીંના લોકો માટે જે પણ જોખમ બનશે અમે તેને નહીં છોડીશુ. તેમણે કહ્યું કે, યુએસ ઈન્ટેલિજન્સ અધિકારીઓએ અલ જવાહરીને કાબુલ શહેરમાં એક ઘરમાં ટ્રેક કર્યો હતો જ્યાં તે તેના પરિવાર સાથે છુપાયેલો હતો. રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે ઓપરેશનને મંજૂરી આપી હતી અને રવિવારે તેને અંજામ આપવામાં આવ્યો હતો.

 

(7:40 pm IST)