Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

હુમલાને બનાવો હથીયારઃ કેજરીવાલની ‘મોદી ચાલ' શું ‘આપ'ને ગુજરાતમાં સફળતા અપાવશે ?

ગુજરાતની ચુંટણીઓ પહેલા પાંચ મહિનાથી પ્રચાર અભિયાનમાં સક્રિય બનેલા કેજરીવાલે મફત વિજળી આપવાનો વાયદો મતદારોને કર્યો છેઃ આવતા દિવસોમાં ‘દિલ્‍હી મોડેલ'ની અનેક સુવિધાના વાયદા મતદારોને આકર્ષીત કરશે?

નવી દિલ્‍હી, તા., ૩: હા, હું જનતાને મફતમાં રેવડી આપીશ, આમ આદમી પાર્ટી (આપ) ના સંયોજક અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે રેવડી કલ્‍ચર ઉપર થયેલા હુમલાને પોતાનું હથીયાર બનાવી લીધું છે અને આક્રમકતા સાથે પોતાને જનતા માટે ‘રેવડીવાળા' તરીકે પ્રદર્શીત કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત વિધાનસભાની આગામી નવેમ્‍બર આસપાસ યોજાનારી ચુંટણીઓ પહેલા પાંચ મહિનાથી ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પ્રચાર અભિયાનમાં સક્રિય થઇ ગયા છે. પોતાની સરકાર ચુંટાશે તો મફત વિજળીનો વાયદો કેજરીવાલ કરી ચુકયા છે. હજી દિલ્‍હી મોડલની અનેક સુવિધાઓ મતદારોને આપવાના વાયદાઓ કરશે. અરવિંદ કેજરીવાલે જે રીતે રેવડીની મીઠાશ લેવાની શરૂ કરી દીધી છે. તેને રાજકીય જાણકારો પીએમ મોદીના ‘મેં ભી ચોકીદાર'   ના દાવ સાથે જોડીને જોઇ રહયા છે. ગત વિધાનસભાની ચુંટણીઓમાં કોંગ્રેસને નોંધપાત્ર બેઠકો મળી હતી. ત્‍યારથી મતદારોનો જોક ફર્યો છે. પરંતુ આ વર્ષે કોંગ્રેસ તરફનું આકર્ષણ આપ તરફે તબદીલ થઇ જાય તો નવાઇ નહિ !

ગુજરાતમાં મુખ્‍યમંત્રીથી લઇને સતત બે વખત પ્રધાનમંત્રી બનવા સુધી મોદીની સફળ યાત્રાનું વિશ્‍લેષણ કરવાવાળા કહે છે કે તેમની સૌથી મોટી મજબુતી એ છે કે તેઓ વિપક્ષના હુમલાને પોતાનું હથીયાર બનાવવામાં માહીર છે. ગુજરાતના દંગા, ચાવાળા અને ચોકીદાર ચોરના વિપક્ષના તીરોથી હંમેશા તેમને જ ઘાયલ કરતા રહયા છે. હવે આ તર્જ ઉપર અરવિંદ કેજરીવાલ ‘રેવડી'વાળો મોદીનો ટોણો પોતાના પક્ષમાં વટાવી લેવાની કોશીષ શરૂ કરી દીધી છે. જો કે આવતા દિવસોમાં આ દાવનો કેટલો ફાયદો મળે છે તે જોવુ રહયું. પરંતુ મોદીના ગઢમાં તેમણે ખુલ્લેઆમ ચેલેન્‍જ આપી દીધી છે.

હમણા જ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ‘રેવડી કલ્‍ચર' ને દેશ માટે ખતરનાક જણાવતા લોકોને ચેતવણી આપી હતી. તો સુપ્રિમ કોર્ટે પણ ચુંટણીઓમાં મફત વાદાની ઝડી વરસાવવા ઉપર ચિંતા વ્‍યકત કરી હતી. જો કે અરવિંદ કેજરીવાલનો દાવો છે કે જનતા મફત શિક્ષણ અને સ્‍વાસ્‍થ્‍ય જેવી સુવિધાઓ ઇચ્‍છે છે. જેના પર તેઓ અડગ છે. ઓગષ્‍ટમાં ગુજરાતમાં એક રેલી દરમિયાન રેવડી ઉપર રેફરેન્‍ડમ કરાવી લેવાની ચેલેન્‍જ પણ તેમણે દઇ દીધી છે. કેજરીવાલે નામ લીધા વગર ભાજપ ઉપર નિશાન સાધતા કહયું કે, એ લોકો મંત્રીઓ, અને પોતાના મિત્રોને રેવડી બાટે છે અને ‘આપ' સરકાર જનતાને રેવડી આપે છે કારણ કે તે તેમનો હક્ક છે. આ રેલીમાં જ કેજરીવાલ રેવડીવાલા બનીને ‘રેવડી લે લો, મફતમાં રેવડી લઇ લ્‍યો' જેવા અવાજ લગાવ્‍યા હતા. હળવા અંદાજમાં આપે મફતમાં વિજળી-પાણી અને મફત બસ મુસાફરી અને વડીલોને મફત તીર્થયાત્રા જેવી લોભામણા યોજનાઓ જે દિલ્‍હી, પંજાબમાં લાગુ છે તે આગામી દિવસોમાં ગુજરાતમાં લાગુ કરવાના વાયદા કર્યા છે. શું કેજરીવાલ ગુજરાતના મતદારોને આકર્ષી શકશે?.

(4:30 pm IST)