Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

આ છે આપણા ‘પ્રતિનિધિ' : મોંઘવારીની ચર્ચા કરવા દોઢ લાખનું પર્સ લઇ સંસદ પહોંચ્‍યા મહિલા સાંસદ

કેમેરાએ કેદ કરતા ચર્ચા વખતે પર્સ છુપાવ્‍યું : વિડીયો વાયરલ

નવી દિલ્‍હી તા. ૩ : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા લોકસભામાં પોતાની લૂઈ વીટન બેગ સંતાડી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચર્ચામાં આવી ગયા છે. લોકસભામાં ભાવ વધારા અને મોંઘવારી પર ચર્ચા દરમિયાન તેઓ પોતાની બેગ છુપાવવાનો પ્રયાસ કરતાં જોવા મળ્‍યા હોવાનું જાણવા મળે છે.

તેઓ બેગ સંતાડતા હતા તે સમયે તેમના સાથી સાંસદ કાકોલી ઘોષ દસ્‍તીદાર એલપીજી સિલિન્‍ડરના ભાવ વધારા અને તેના કારણે ઘરના બજેટ બગડતા હોવાની બાબતે જુસ્‍સાભેર વાત કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેની બાજુમાં બેઠેલ મોઇત્રાએ પોતાની મોંઘી બેગને પોતાની બાજુમાંથી ખસેડીને પોતાના પગ પાસેના ટેબલની નીચે લઈ ગયા હતા.

લક્‍ઝરી બ્રાન્‍ડ લુઈસ વીટન બેગની કિંમત દોઢ લાખ રૂપિયાથી વધુ છે. મહુઆ મોઇત્રાને દર્શાવતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વિડીયો જોઈને લોકોએ દોઢ લાખ રૂપિયાની કિંમતનું બેગ હોવા છતાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા બદલ ટીએમસી સાંસદની ઝાટકણી કાઢી હતી.

અહી ઉલ્લેખનીય છે કે, મોંઘવારી પર ચર્ચા કોંગ્રેસના સભ્‍ય મનીષ તિવારીએ શરૂ કરી હતી. તિવારીએ કહ્યું હતું કે છેલ્લા ૧૪ મહિના દરમિયાન મોંઘવારી દર બે આંકડામાં રહ્યો છે, જે ૩૦ વર્ષમાં સૌથી વધુ છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ચોખા, દહીં, પનીર જેવી દૈનિક જરૂરિયાતની વસ્‍તુઓ પર જીએસટી વધારવામાં આવ્‍યો છે અને કમનસીબે બાળકોને પણ બક્ષવામાં આવ્‍યા નથી, સ્‍ટેશનરીના ભાવ પણ વધ્‍યા છે.

જે રીતે મહુઆ મોઇત્રા સંસદમાં અતિ મોંઘી બેગ લઇ જવા બદલ ઓનલાઇન દલીલનો વિષય બન્‍યા છે, તેવી જ રીતે ભૂતકાળમાં પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે નૈરોબીની મહિલા પ્રતિનિધિ એસ્‍થર પાસારીસે તેની લુઇસ વીટન હેન્‍ડબેગ સંસદમાં લઇ જવા બદલ વિવાદ સર્જાયો હતો.

અહેવાલો અનુસાર, સંસદની અંદર લાવવામાં આવેલી ઊંચી કિંમતની બેગના મુદ્દા પર ચર્ચા કરવા અને સમાધાન લાવવા માટે ગૃહે ચાલુ સત્રને રોકવું પડ્‍યું હતું. ઘણા સભ્‍યોએ ઓફિશિયલ જગ્‍યાએ આટલી મોંઘી બેગ લઈ આવવા પાછળનું કારણ પૂછ્‍યું હતું. જેથી મહુઆ મોઇત્રાએ આમ કરવા માટેના તબીબી કારણો આપ્‍યા હતા.

(11:05 am IST)