Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કુતરાના કરડવા પર વળતર આપવાનોᅠકોઈ કાયદો નથી

છેલ્લા કેટલાક વર્ષોમાં કેસમાં વધારો : કેરળમાં કમિટીની રચના કરાયᅠ

નવી દિલ્‍હી તા. ૩ : છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં કૂતરા કરડવાના કેસમાં વધારો થયો છે. શેરીઓ અને ગલીઓમાં રખડતા રખડતા કૂતરા અને પાળેલા કૂતરા ગમે ત્‍યારે કોઈને પણ પોતાનો શિકાર બનાવે છે. દેશના અનેક શહેરોમાં કૂતરાઓના હુમલામાં માસૂમ બાળકોના મોત થયા હોવાના અહેવાલો પણ સામે આવ્‍યા છે. કૂતરા કરડવાના વળતરના મામલે દેશના મત્‍સ્‍ય અને પશુપાલન મંત્રાલયનું નિવેદન સામે આવ્‍યું છે. સરકારનું કહેવું છે કે કૂતરા કરડવાથી વળતર આપવાનો કોઈ નિયમ નથી.

લિવસ્‍ટોક સેન્‍સસમાં બહાર આવ્‍યું છે કે વર્ષ ૨૦૧૨માં દેશમાં રખડતા કૂતરાઓની વસ્‍તી ૧૭૧.૪ લાખ હતી, જે ૨૦૧૯માં ઘટીને ૧૫૩.૧ લાખ થઈ ગઈ છે. પરંતુ પાળેલા અને રખડતા કૂતરા માણસોને કરડતા હોવાના કિસ્‍સા મોટા છે.

દેશના મત્‍સ્‍યોદ્યોગ અને પશુપાલન મંત્રાલયે સંસદમાં આપેલી માહિતીમાં કહ્યું છે કે જો કૂતરા કરડવાથી કોઈ વ્‍યક્‍તિનું મૃત્‍યુ થાય છે અથવા ભારે નુકસાન થાય છે તો તેને કોઈ પ્રકારનું વળતર આપવાની જોગવાઈ છે. રખડતા કૂતરાને પકડતાની સાથે જ મેનકા ગાંધીની NGOમાંથી ફોન આવે છે.

મંત્રાલયનું કહેવું છે કે, જોગવાઈઓ અનુસાર રખડતા કૂતરાઓને કેદમાં રાખી શકાય નહીં. મ્‍યુનિસિપલ સત્તાવાળાઓ માત્ર રખડતા કૂતરાઓની વસ્‍તીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી શકે છે. મંત્રાલયે કહ્યું છે કે અમારી પાસે કૂતરાના હુમલામાં લોકોના મોતનો કોઈ ડેટા પણ નથી.

રખડતા કૂતરાઓના મામલામાં ઉત્તર પ્રદેશનું નામ દેશમાં સૌથી ઉપર છે. જયાં તેમની સંખ્‍યા સૌથી વધુ છે. સૌથી ઓછા રખડતા કૂતરાઓ મિઝોરમમાં છે.

કૂતરા કરડવાના મામલે કોર્ટમાં પહોંચેલા મામલાઓમાં વર્ષ ૨૦૧૯નો ચંદીગઢનો મામલો પણ છે જેમાં ૧૦ વર્ષના બાળકને પાળેલા કૂતરાએ કરડ્‍યો હતો. આ કેસમાં કૂતરાના માલિક સામે કેસ કરવામાં આવ્‍યો હતો. જયાં કોર્ટે કૂતરાના માલિક પર આઇપીસીની કલમ ૨૮૯ લગાવી હતી. જેમાં ૬ મહિના સુધીની જેલ અને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

અન્‍ય એક કેસમાં કોર્ટે પીડિતને ૨ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્‍યો હતો. જેમાં નગરપાલિકા દ્વારા એક લાખ રૂપિયા અને રાજય સરકાર દ્વારા એક લાખ રૂપિયા કૂતરું કરડ્‍યા બાદ એક અઠવાડિયામાં પીડિતને આપવાનું જણાવ્‍યું હતું.

વર્ષ ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે કૂતરા કરડવાના કેસમાં વળતર આપવા માટે એક પેનલ તૈયાર કરી હતી. પેનલે સર્વોચ્‍ચ અદાલતમાં પાંચ સૂચનો કર્યા હતા. જેમાં જાનવર કરડવાના કિસ્‍સામાં મેડિકલ સ્‍ટાફને તાલીમ, તમામ હોસ્‍પિટલોમાં હડકવા વિરોધી રસી, કચરાનું વ્‍યવસ્‍થાપન, રખડતા કૂતરાઓને કાબુમાં લેવા અને પાલતુ પ્રાણીઓની રસીકરણ વિશે વાત કરવામાં આવી હતી.

કેરળ દેશનું એકમાત્ર રાજય છે જયાં કૂતરા કરડવાના કેસ માટે વળતર નક્કી કરવા માટે એક સમિતિ છે. કેરળ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્‍યાયાધીશ એસ. સિરી જગનની ત્રણ સભ્‍યોની સમિતિને કૂતરા કરડવાના ૨૪૯૬ કેસ મળ્‍યા હતા. જેમાંથી ૪૫૬ કેસમાં વળતર આપવામાં આવ્‍યું હતું.

(10:36 am IST)