Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

બજારમાં પુષ્‍પા રાખડીએ જમાવ્‍યો રંગઃ ભાવમાં ૩૦ થી ૩૫ ટકાનો વધારો

ચંદન, રૂદ્રાક્ષ અને ડાયમંડની રાખડી પણ એટલી જ આકર્ષક છે

મુંબઇ,તા. ૩ : ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો તહેવાર એટલે રક્ષા બંધન. રક્ષા બંધનનો તહેવાર નજીક આવતા બજારમાં રાખડીઓનો મેળો લાગ્‍યો છે. એમાં પણ નવી વેરાયટીઓ આકર્ષણનું કેન્‍દ્ર બની છે. પુષ્‍પા અને દેશના બહાદુર જવાન અભિમન્‍યુની રાખડીઓ વધુ લોકપ્રિય બની રહી છે. આ સિવાય ચંદન, રુદ્રાક્ષ અને ડાયમંડની રાખડી પણ એટલી જ આકર્ષક છે.

જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે રાખડીના ભાવમાં ૩૦ થી ૩૫ ટકાનો ભાવ વધારો છે, પરંતુ કોરોનાના બે વર્ષ બાદ છૂટથી તહેવાર મનાવવા મળતા બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવામાં કોઈ કચોટ રાખવા માંગતી ન હોવાથી ખરીદી ઉપર કોઈ અસર વર્તાતી ન હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે બજારમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના પોસ્‍ટર સાથેની રાખડી પોતાનું અલગ આકર્ષણ બનાવી રહી છે.

પ્રધાનમંત્રીએ અત્‍યાર સુધી શરુ કરેલી વિવિધ મુહિમ જેવી કે માસ્‍ક પહેરવું, દીકરીઓને ભણાવવી, નશા મુક્‍તિ વગેરે જેવા સંદેશ પણ લખવામાં આવ્‍યા છે. માત્ર પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી જ નહી પણ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇ અને આનંદીબેન પટેલની રાખડી પણ એટલી જ લોકપ્રિય બની રહી છે. 

(11:02 am IST)