Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસને અલવિદા કહેશે ? : અશોક ચવ્હાણે સ્પષ્ટતા કરી

અશોક ચવ્હાણે ભાજપમાં જોડાવાની તૈયારીના સમાચારોને પાયાવિહોણા અને અફવા ગણાવ્યા : કહ્યું – “મેં આવો કોઈ નિર્ણય લીધો નથી.”

નવી દિલ્લી તા.02 : કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસ છોડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેઓ પાર્ટીથી અસંતુષ્ટ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે  અને તેઓ કેશરિયો ધારણ કરે તેવી વાતોએ પણ રાજકારણનો પારો અધર ચઢાવ્યો છે. જે વચ્ચે અશોક ચવ્હાણે પોતે ભાજપમાં જોડાવાના સમાચાર અંગે સ્પષ્ટતા કરી છે.

અશોક ચવ્હાણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે, તેઓ કોંગ્રેસ છોડીને ક્યાંય જઈ રહ્યા નથી. તેમણે ભાજપમાં જોડાવાની તૈયારીના સમાચારોને પાયાવિહોણા અને અફવા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘આવી ચર્ચાઓનું કોઈ મહત્વ નથી. મેં આવો કોઈ નિર્ણય લીધો નથી.” આ પ્રતિક્રિયા આપીને અશોક ચવ્હાણે ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો છે.

તેઓ વિધાનસભામાં શિંદે-ફડણવીસ સરકારના વિશ્વાસના મતમાં પણ ગેરહાજર રહ્યા હતા. તેમના આભારવિધિ પ્રવચનમાં દેવેન્દ્ર ફડણવીસે તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ‘અદૃશ્ય હાથ જે અમારી પાછળ રહ્યા, હું તેમનો પણ આભાર માનવા માંગુ છું.’ બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મોડા આવવાને કારણે તેઓ વિશ્વાસના મતની વિરુદ્ધ મતદાન કરી શક્યા નથી. પછી બધા જાણે છે કે રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર ગઈ અને શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવી.

ફ્લોર ટેસ્ટ સમયે અશોક ચવ્હાણ સહિત ત્રણ ધારાસભ્યો મોડા પહોંચ્યા હતા અને મતદાન કરી શક્યા ન હતા. આ પછી કોંગ્રેસે પક્ષ વિરોધી પગલાં લેવા બદલ અશોક ચવ્હાણને કારણદર્શક નોટિસ મોકલી હતી. આ કારણોસર અશોક ચવ્હાણ પોતાની પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે અને નાંદેડમાં તેમના પક્ષ છોડવાના સમાચાર જોરશોરથી આવવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં અશોક ચવ્હાણે પોતાનો ખુલાસો આપીને ચર્ચાઓને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.


અશોક ચવ્હાણે કહ્યું, ‘આજે સવારે નાંદેડમાં મીડિયાની સામે મેં મારી ભૂમિકા સ્પષ્ટપણે રજૂ કરી. હું ભાજપમાં જોડાઈ રહ્યો છું તેવા સમાચાર પાયાવિહોણા છે. મેં આવો કોઈ નિર્ણય લીધો નથી.” ચવ્હાણ દ્વારા ટ્વીટ કરીને પણ આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે.

(10:09 pm IST)