Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કંગાળ પાકિસ્તાને ઇમરાન ખાનનું સત્તાવાર નિવાસસ્થાન ભાડે આપવાની જાહેરાત કરી

યુનિવર્સિટી બનાવવાની યોજના પડતી મુકતા હવે પીએમ હાઉસ ભાડે આપવા નિર્ણય લેવાયો

નવી દિલ્હી :  આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલું પાકિસ્તાન હવે જાણે સંપૂર્ણપણે બર્બાદ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મંદીના ચપેટમાં આવી ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે હવે પાકિસ્તાને પણ પોતાનું વડાપ્રધાન નિવાસ ભાડે આપવાની જાહેરાત કરી છે. ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું સત્તાવાર નિવાસસ્થાન ભાડે આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અસલમાં ઓગસ્ટ 2019માં પાકિસ્તાનના શાસક પક્ષે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને યુનિવર્સિટીમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. તે પછી પીએમ ઇમરાન ખાને આ નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. પરંતુ હવે સરકારે યુનિવર્સિટી બનાવવાની યોજના પડતી મૂકી છે.

એક રિપોર્ટ અનુસાર, આ યોજનાને સ્થગિત કર્યા બાદ હવે પીએમ આવાસ ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાએ કહ્યું છે કે, પાકિસ્તાનની ફેડરલ સરકારે હવે સાંસ્કૃતિક, ફેશન, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમો માટે પીએમ નિવાસસ્થાન ભાડે આપવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઇસ્લામાબાદમાં પીએમ ઇમરાન ખાનનું આ નિવાસસ્થાન રેડ ઝોનમાં આવે છે.

પીએમ નિવાસસ્થાન પર નજર રાખવા અને ભાડે આપવા માટે બે સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ નિવાસસ્થાનની અંદર આયોજિત કાર્યક્રમો દરમિયાન પીએમ હાઉસ સંબંધિત શિસ્ત અને જાળવણી પર દેખરેખ રાખશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ફેડરલ કેબિનેટ ટૂંક સમયમાં જ પીએમના નિવાસસ્થાનથી થતી આવકની ચર્ચા કરશે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. બજારમાં મૂડી રોકાણના અભાવે મોંઘવારી વધી રહી છે. આર્થિક સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સરકારે કર્મચારીઓને લોન લઈને પગાર ચૂકવવો પડે છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેપાર નુકશાન વધ્યું છે, કારણ કે નિકાસમાં ઘટાડો અને આયાતમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં મોંઘવારી આકાશને આંબી રહી છે. મે મહિનામાં દેશમાં ફુગાવાનો દર 10.9 ટકાની ટોચ પર હતો.

(12:20 am IST)