Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભારતીય ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીની તાલીબાનોએ ૧૨ ગોળી મારીને હત્યા કરી હતી

ન્યૂઝ એજન્સીમાં કામ કરતા દાનિશની હત્યાનો ખુલાસો : દાનિશ સિદ્દીકીના શરીરની અંદરથી કેટલીક ગોળીઓ મળી, શરીરને ઘસેડવામાં આવ્યું હોવાના નિશાન પણ મળ્યા છે

 

કાબુલ, તા. : ભારતીય ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા થયાની ઘટનાને બે અઠવાડિયા થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં યુધ્ધને કવર કરવા માટે ગયેલા સિદ્દીકીની તાલિબાને હત્યા કરી હતી. સિદ્દીકી ન્યૂઝ એજન્સી રોઈટર માટે કામ કરતા હતા. જોકે હવે એવો ખુલાસો થયો છે કે, તાલિબાને ક્રૂરતા પૂર્વક સિદ્દીકીની હત્યા કરી હતી.

એક ન્યૂઝ ચેનલે કરેલા દાવા પ્રમાણે દાનિશના શરીર પર ૧૨ ગોળીઓ મારવામાં આવી હતી. શરીરની અંદરથી કેટલીક ગોળીઓ મળી છે. શરીરને ઘસેડવામાં આવ્યુ હોવાના નિશાન પણ મળ્યા છે. હત્યા બાદ દાનિશાના માથા અને છાતી પર ભારે વાહનને ચલાવવામાં આવ્યુ હતુ. છાતી અને માથા પર ટાયરના નિશાન દેખાયા હતા.

અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા તંત્રના સૂત્રોએ દાનિશ સિદ્દીકીના હત્યા અને ટોર્ચરને સમર્થન આપ્યુ છે. દાનિશે અફઘાનિસ્તાન સેનાની એક યુનિટ સાથે એક મસ્જિદમાં આશરો લીધો હતો. દરમિયાન તાલિબાને મસ્જિદમાં ઘૂસીને અફઘાની જવાનોને મારવાનુ શરૃ કર્યુ હતુ. તે વખતે દાનિશે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી.

તાલિબાને તેમના આઈડીને ક્વેટા ખાતે આવેલા હેડક્વાર્ટરમાં ફોટો પાડીને મોકલ્યુ હતુ અને દાનિશ સાથે શું કરવુ તેની સલાહી માંગી હતી. પછી દાનિશના સોશિયલ મીડિયા પોસ્ટને ચેક રવામાં આવી હતી.

દાનિશના અફઘાનિસ્તાન સેના સાથે હોવા પર અને તાલિબાન વિરોધી રિપોર્ટીંગ પર આતંકીઓ નારાજ હતા. પછી તેની હત્યા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દાનિશને ૧૨ ગોળીઓ મારવામાં આવી હતી. તેમના મૃતદેહને ઘસેડીને બહાર લાવવામાં આવ્યો હતો. ઘટનાની તસવીરોને કેમેરામાં કેદ કરીને પછી તેને વાયરલ કરવામાં આવી હતી.

(7:33 pm IST)