Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાહુલ ગાંધીની શંકા દૂર :ટૂંક સમયમાં લેશે મહારાષ્ટ્રની મુલાકાત : સાંસદ સંજય રાઉત

શિવસેના સાંસદે કહ્યું--હું મારા પક્ષ પ્રમુખને આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા સંભવિત ગઠબંધન અંગેની ચર્ચાઓ વિશે જાણ કરીશ

નવી દિલ્હી :શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમને ખાતરી આપી છે કે તેઓ ટુંક સમયમાં મહારાષ્ટ્રની મુલાકાત લેશે. રાઉતની પાર્ટી શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સત્તામાં છે.

 રાઉતે સોમવારે નવી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આયોજિત વિપક્ષી દળોના નેતાઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

આ બેઠકમાં વિપક્ષની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાઉતે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે છેલ્લાં થોડાં સમયથી એક બેઠક કરવાનું વિચારી રહ્યાં જ હતા. રાહુલ ગાંધીને કેટલીક શંકાઓ હતી જે હવે દૂર થઈ ગઈ છે. તેમણે ટૂંક સમયમાં મહારાષ્ટ્રની મુલાકાત લેવાની ખાતરી પણ આપી છે.

તેમણે કહ્યું, “હું મારા પક્ષ પ્રમુખ (ઉદ્ધવ ઠાકરે) ને આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા સંભવિત ગઠબંધન અંગેની ચર્ચાઓ વિશે જાણ કરીશ.”

રાહુલ ગાંધી શીવસેના અને તેના સંસ્થાપક દિવંગત બાલા સાહેબ ઠાકરે વિશે જાણવા માટે ઉત્સુક હતાં. રાઉતે વધુમાં ઉમેર્યું કે, તેમણે આ વિશે જાણકારી પણ મેળવી.

(7:27 pm IST)