Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભૂતપૂર્વ અમેરિકન રાજદૂત જણાવે છે કારણો

૨૦૩૦ સુધીમાં દુનિયાનું 'સુપરપાવર' બની જશે ભારત

નવી દિલ્હી, તા.૩: ૨૦૩૦ સુધીમાં ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી શકે છે એમ અમેરિકાના એક ભૂતપૂર્વ ટોચના રાજનયીકનું કહેવું છે તેમણે કહયું કે દુનિયાના બે સૌથી મોટા લોકશાહી સાથે મળીને ઘણું બધું કરી શકે છે. રિચર્ડ વર્માએ કહયું 'હું ૨૦૩૦નું વર્ષ જોઉ છું અને મને એક એવું ભારત દેખાય છે જે લગભગ દરેક ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી શકે છે.'

તેમણે કહયું, 'સૌથી મોટી વસ્તી, સૌથી વધારે ગ્રેજયુએટ, સૌથી મોટો મધ્યમ વર્ગ, સૌથી વધારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ ઉપયોગકારો, ત્રીજા નંબરનું સૌથી મોટુ સૈન્ય, ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ઉપરાંત વિશ્વના આ સૌથી મોટા લોકશાહી દેશમાં ૨૫ વર્ષથી ઓછી વયના ૬૦ કરોડ લોકો છે.

રિચર્ડ વર્માએ કહયું, 'આપણી નજર સામે આજે ભારત મોટા પાયે થઇ રહેલા વિકાસ બાબતે ટોચ પર છે. આગામી દાયકામાં બુનિયાદી માળખાનાં વિકાસ પર ૨ ટ્રીલીયન ડોલર વપરાશે. ૨૦૩૦ માટે જરૂરી બુનિયાદી માળખાનો એક મોટો ભાગ બનાવવાનો બાકી છે. એટલે આજે લગભગ ૧૦૦ નવા એરપોર્ટની યોજના બનાવાઇ રહી છે અથવા કામ ચાલુ છે.

જીંદાલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ બેંકીંગ એન્ડ ફાયનાંસમાં પોતાના સંબોધનમાં ભારતમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂતે યુવા વિદ્યાર્થીઓને કહયું કે ભારતમાં એશિયાનું સૌથી મોટું કાર્યબળ છે. તેમણે કહયું કે તમને તેનો ફાયદો ૨૦૫૦ સુધી મળતો રહેશે.

(3:43 pm IST)