Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સોનાની કિંમત પાંચ વર્ષમાં તોડશે તમામ રેકોર્ડઃ ૯૦ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે ભાવ

ફંડ મેનેજર ડિએગો પેરિલાનું કહેવું છે કે સોનાની કિંમત પાંચ વર્ષમાં ૫૦૦૦ ડોલર પ્રતિ ઔંસ પહોંચી શકે છે

નવી દિલ્હી,તા.૩: કોરોના વાયરસ વિરુદ્ઘ રસીકરણની ઝડપ વધવાની સાથે સાથે દુનિયાભરમાં સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. આ દરમિયાન ૨૫ કરોડ ડોલરના કવાડરિગા ઇગ્નિયો ફંડ  સંભાળતા ડિએગો પેરિલાનું કહેવું છે કે સોનાની કિંમત આગામી ત્રણથી પાંચ વર્ષમાં બે ગણી થઈ જશે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ૩૦૦૦-૫૦૦૦ ડોલર પ્રતિ ઔંસ થઈ શકે છે. ફંડ મેનેજરનું કહેવું છે કે અનેક દેશોમાં જાહેર કરવામાં આવી રહેલા રાહત પેકેજથી કેન્દ્રીય બેંકોને પડતી મુશ્કેલી અંગે રોકાણકારોને વધારે માહિતી નથી. આ કારણે સોનાની કિંમત સતત વધતી જશે.

ફંડ મેનેજરનું કહેવું છે કે ખરાબ મોનેટરી અને ફિસ્કલ પોલિસીઝને કારણે લાંબી અવધિ દરમિયાન થતાં નુકસાન અંગે રોકાણકારો જાગૃત નથી. તેમણે જણાવ્યું કે, વ્યાજદરોને જાણી જોઈને નીચા રાખવાથી એવા એસેટ બબલ બન્યા છે કે, જે ફૂટવા મુશ્કેલ છે. આથી કેન્દ્રીય બેંકો માટે સામાન્ય સ્થિતિમાં પરત આવવું ખૂબ મુશ્કેલ બનશે.

ડિએગોનું કહેવું છે કે સોનામાં તેજીના તમામ કારણ ખૂબ મજબૂત છે. મહામારીને કારણે ૨૦૨૦ દરમિયાન દુનિયામાં ભારે નુકસાન વચ્ચે સોનું ૨૦૭૫.૪૭ ડોલરની સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યું હતું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી સોનું ૧૮૦૦ ડોલર પ્રતિ ઔંસની આસપાસ ચીલી રહ્યું છે.

અમેરિકામાં ફેડરલ રિઝર્વની પોલિસી ખતમ કરવાના સંકેત બાદ જૂન ૨૦૨૧માં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. ડિએગોનું માનવું છે કે કેન્દ્રીય બેંકોનું સ્થિતિ પર એવું નિયંત્રણ નથી જેવું લોકો વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૨૦૧૬માં ડિએગોએ સોનાની કિંમત પાંચ વર્ષમાં સર્વોચ્ચ સપાટી પર પહોંચશે તેવું અનુમાન લગાવ્યું હતું.

ડિએગો ગોલ્ડમેન સાકસ અને બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ સાથે કામ કરી ચૂકયા છે. જયારે તેમને કિંમતી ધાતુઓના વેપારમાં ૨૫ વર્ષથી વધુનો અનુભવ છે. જો ડિએગોનું અનુમાન ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો આગામી પાંચ વર્ષમાં સોનાની કિંમત ૯૦,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તર પર આવી શકે છે. 

(10:29 am IST)