Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

હવે કાશી અને મથુરા બાકી રહી ગયા છેઃ વિનય કટિયાર

રામ મંદિર આંદોલનના તેજાબી નેતા અયોધ્યા પહોંચ્યા : મુલાયમે ગોળીઓ છોડી પણ રામભક્તો અટક્યા નહોતા, અયોધ્યા મુદ્દે સાધુસંતો-આરએસએસને યશ આપતા નેતા

અયોધ્યા, તા. : રામ મંદિર આંદોલનના તેજાબી નેતા વિનય કટિયાર સોમવારે અયોધ્યા પહોંચ્યા હતા અને મિડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે હું પાંચમી ઑગષ્ટે થનારા રામ મંદિર ભૂમિ પૂજનમાં સહભાગી થવા આવ્યો છું. તેમણે કહ્યું હતું કે અયોધ્યાનો મામલો હવે પૂરો થયો. હવે આપણે કાશી અને મથુરા લેવાના છે. રામ મંદિર માટે મેં દરેક તબક્કે ઉગ્ર આંદોલન કર્યું હતું. હવે મારું ધ્યાન કાશી અને મથુરા પર કેન્દ્રીત થવાનું છે. અયોધ્ચા આંદોલન વખતે અમે ઘણો સંઘર્ષ કરેલો. મુલાયમ સિંઘ યાદવે તો રામભક્તો પર ગોળીબાર કરાવ્યા હતા. પરંતુ રામભક્તો અટક્યા નહોતા.

અયોધ્યાનો મામલો હલ થયો માટે સાધુસંતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને યશ ઘટે છે એમ કટિયારે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન નહોતા ત્યારથી મુદ્દે અમારી સાથે લડતમાં મોખરે રહ્યા હતા. હવે વડા પ્રધાન તરીકે ભૂમિપૂજન માટે અયોઘ્યા આવી રહ્યા છે અમારા સૌને માટે પ્રસન્નતાની વાત છે. અમે સૌ ખૂબ ઉત્સાહિત છીએ. વડા પ્રધાનની અયોધ્યા મુલાકાતના મુદ્દે કેટલાક લોકો કૂતરાની જેમ ભસી રહ્યા છે. પરંતુ ગજરાજ ચલત હૈ અપની ગત મેં. અયોધ્યા પછી હવે અમે કાશી મથુરા પર ધ્યાન આપવાના છીએ. તેમણે એવો દાવો કર્યો હતો કે રામ મંદિર આંદોલનનો આરંભ ભાજપે કર્યો નહોતો, એમણે તો સંઘની લડતમાં સહકાર આપ્યો હતો. સંઘ અને સાધુસંતોએ લડત શરૂ કરી હતી. કટિયારે એવો દાવો પણ કર્યો હતો કે અયોધ્યા, કાશી અને મથુરા માટેજ મારો જન્મ થયો હતો. આંદોલન કરતાં કરતાં અમે જેલમાં પણ જઇ આવ્યા પરંતુ તેનાથી અમારા જુસ્સામાં કશો ફરક પડ્યો નહીં.

(7:48 pm IST)