Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અયોધ્યામાં ગૌરી ગણેશ પૂજન સાથે વિધિ શરૂ કરવામાં આવી

રામ-સીતાના કુળદેવીની પણ પૂજા થઈ : સવારે ૮.૦૦ કલાકે શરૂ થયેલી પૂજામાં ૧૧ પુજારીઓએ મંત્રજાપ કર્યા, જ્યારે અન્ય મંદિરોમાં રામાયણ પાઠ કર્યા

નવી દિલ્હી, તા. : અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન માટે આજથી અનુષ્ઠાન શરૂ થઈ ગયાં છે. મંદિર નિર્માણમાં અયોધ્યામાં રામજન્મ જેવો ઉલ્લાસ છે. સાથે ભૂમિ પૂજનના સાક્ષી બનવા માટે આજથી અયોધ્યામાં મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. ભૂમિ પૂજનની દરેક તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. દરેક લોકો ઓગસ્ટની રાહ જોઈ રહ્યાં છે. અત્યાર સુધીના કાર્યક્રમ અનુસાર પીએમ મોદી અયોધ્યામાં ભૂમિ પૂજન સાથે હનુમાનગઢીના પણ દર્શન કરશે. ભૂમિપૂજન પહેલાની વિધિ સોમવારે 'ગૌરી ગણેશ' પૂજા સાથે શરૂ થઈ હતી. સૌથી પહેલા હિંદુ ધર્મમાં દરેક મહત્વના પ્રસંગો માટે અનિવાર્ય માનવામાં આવતા ગણેશજીની પૂજાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. દિવસના અનુષ્ઠાનનું સમાપન બુધવારે વડાપ્રધાન દ્વારા કરવામાં આવતા 'ભૂમિપૂજન' સાથે થશે.

           પૂજા સવારે કલાકે શરૂ થઈ હતી. જેમાં ૧૧ પુજારીઓએ મંત્રજાપ કર્યા હતા જ્યારે અન્ય મંદિરોમાં 'રામાયણ પાઠનું આયોજન થયું હતું. ગૌરી ગણેશ પૂજા પછી સીતા માતાના કુળદેવી નાના દેવકાળી અને ભગવાન શ્રીરામના કુળદેવી મોટી દેવકાળીની આરાધના કરવામાં આવી હતી. અયોધ્યામાં સ્થિત બન્ને ધર્મસ્થળો પર ટ્રસ્ટના સભ્ય રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રએ યજમાનની ભૂમિકામાં પૂજન શરૂ કરીને કાર્યક્રમનો આરંભ કર્યો હતો. પૂજા સાથે રામજન્મભૂમિ પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનની શરૂઆત થઈ ચૂકી છે.

           અંતિમ સમયની તૈયારીઓ નિહાળવા માટે યુપી સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યા આવશે. પહેલા સીએમ રવિવારે અયોધ્યાની મુલાકાત લેવાના હતા પરંતુ યુપી સરકારના કેબિનેટ મંત્રી કમલ રાણી વરૂણના નિધનના કારણે તેમની મુલાકાત રદ થઈ હતી. પ્રયાગરાજમાં આશા નામની એક ફર્મ ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં નિશુલ્ક લાઉડસ્પીકર લગાવશે. કંપનીના ડિરેક્ટર પ્રવીણ માલવિયે કહ્યું છે કે,'આશરે ૩૦૦૦ લાઉડસ્પીકર અયોધ્યા અને ફૈઝાબાદમાં લગાવવામાં આવશે. અમે માટે એકપણ રૂપિયો લેવાના નથી.

(7:47 pm IST)