Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

દસ્તાવેજો પ્રમાણે રામ લલ્લા હવે ૨.૭૭ એકર જમીનના માલિક

પાંચ ઓગસ્ટે વડાપ્રધાન ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે : બાબરી મસ્જિદના પક્ષકાર અંસારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું, કુલ ૧૭૫ લોકોને નિમંત્રણ મોકલાયા : યુપીના મુખ્યમંત્રી અયોધ્યા પહોંચ્યા

અયોધ્યા, તા. : અયોધ્યામાં ૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે. તે પહેલાં રામલલ્લા બિરાજમાન હવે સરકારી દસ્તાવેજમાં .૭૭ એકર ભૂમિના માલિક બની ગયા છે. જિલ્લા વહીવટીતંત્રએ સરકારી દસ્તાવેજોમાં તે અંગે નોંધણી કરી નાખી છે. ભૂમિ પૂજનમાં સામેલ થવા માટે ૧૭૫ લોકોને આમંત્રણ મોકલવામા આવ્યું છે. સોમવારે બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીને પણ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ સોંપવામાં આવ્યું હતું. તે સિવાય ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યને પણ આમંત્રિત કરવામા આવ્યા છે. દરમિયાનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી ગયા છે અને તેમણે ભગવાન શ્રીરામના દર્શન પણ કર્યા હતા.

          કહેવાય છે કે, જે લોકોને કાર્યક્રમનું આમંત્રણ મોકલાઈ રહ્યું છે તેમાં ભાજપ-સંઘના નેતાઓની સાથે રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, ડૉ. રામવિલાસ વેદાંતી પણ સામેલ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અનેક કારસેવકના પરિવારજનોને પણ આમંત્રણ પાઠવ્યું છે, જે બાબરી ધ્વંસમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. ઇકબાલ અંસારીએ કહ્યું- ધાર્મિક નગરી છે. અહીં ગંગા-જમુના સંસ્કૃતિ યથાવત છે. અહીં કણ કણમાં દેવતા વાસ કરે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બધા વિવાદ દૂર થઇ ગયા છે.

          દેશના બંધારણ પર દરેક મુસલમાનોને ભરોસો છે. હું ચોક્કસ જઇશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામચરિત માનસની ભેટ આપીશ. રામ લલ્લા બિરાજમાન સરકારી દસ્તાવેજોમાં લાંબો સમય વિવાદમાં રહેલી .૭૭ એકર જમીનના માલિક બની ગયા છે. અયોધ્યા જિલ્લા વહીવટી તંત્રએ મહેસૂલી ખાતા નંબર ૧૫૯ અને ૧૬૦ તથા પેટા નંબર ૫૮૩ના જમીન માલિક તરીકે શ્રીરામ લલ્લા બિરાજમાનનું નામ દાખલ કર્યું છે. મહેસૂલી ભાષામાં તેને અમલદરામદ એટલે કે અધિકાર આપવો કહે છે. હવે જન્મભૂમિ પરિષરની સંપૂર્ણ ૭૦ એકર જમીન ટ્રસ્ટની થઈ ગઈ છે.

         શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પહેલા અયોધ્યામાં ભવ્ય સજાવટ કરાઈ રહી છે. સમગ્ર શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે. લખનૌમાં ૧૧૧ ચાર રસ્તાઓ પર પ્રભુ શ્રીરામના ચિત્ર અને ધ્વજ લગાવવામા આવશે. આજે તે સજાવટનું કામ પૂર્ણ કરી દેવામા આવશે. ઓગસ્ટની સાંજે દીપોત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામા આવશે.

(7:46 pm IST)