Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ર૦૦ કરોડનું કરશે રોકાણ

ભારતીય ઇલેકટ્રીક વાહન બજાર પર ચીનનો ડોળો

નવી દિલ્હી તા. રઃ ભારતમાં ઇલેકટ્રીક વાહનો પર હવે ચીનની નજર છે. ચીની કંપની હુઆઇહાઇ અને ભારતની ઇલેકટ્રીક વાહન કંપની કેએસએલ એ સંયુકત ઉપક્રમ હેઠળ દિલ્હીમાં ૭ ઇલેકટ્રીક વાહનો પ્રદર્શિત કર્યા છે. નિષ્ણાતોનો દાવો છે કે અત્યારે ચાલતા ઇલેકટ્રીક વાહનો કરતા આ ઘણા બહેતર વાહનો હશે જોકે આ વાહનોને હજી સુધી લોંચ નથી કરવામાં આવ્યા.

ઇલેકટ્રીક વાહનોની રેન્જમાં ઇલેકટ્રીક સ્કુટર, ઇલેકટ્રીક રિક્ષા અને ઇલેકટ્રીક કોમર્શીયલ વાહનો અત્યારે જોરમાં છે. હુઆઇહાઇ અને કેએસએલ આગામી કેટલાક વર્ષોમાં ઇલેકટ્રીક વાહનોના ઉત્પાદનમાં ર૦૦ કરોડના રોકાણની યોજના બનાવી ચુકયા છે. ર૦ર૦ સુધીમાં વધારેમાં વધારે ઇલેકટ્રીક વાહનોના ઉત્પાદનનું તેમનું લક્ષ્ય છે. ઉલ્લેખનિય છે કે કેએસએલ કલીનટેક પોતાના કલકત્તા ખાતેના પ્રોડકશન યુનિટમાંથી દર વર્ષે લગભગ ૧૦ હજાર ઇલેકટ્રીક વાહનોના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.

સંયુકત ઉપક્રમમાં ૧૦ થી ૩૬ મહિનામાં ૧૦ ઇલેકટ્રીક વાહનો લોંચ કરવાનું લક્ષ્ય રખાયું છે. નકકી કરેલી યોજના હેઠળ અલગ અલગ ઇલેકટ્રીક વાહનોને લોંચ કરતા રહેશે. અત્યારે તો કંપનીએ આ ઉત્પાદનોની કિંમતો જાહેર નથી કરી. ૧ ઓગસ્ટથી ઇલેકટ્રીક વાહનો પર જીએસટીના દરો પણ ૧ર ટકાથી ઘટીને પ ટકા અને ઇલેકટ્રીક વાહન ચાર્જીંગ સ્ટેશન પણ ૧૮ ટકાથી ઘટાડીને પ ટકા થઇ ગયા છે.

આ પરિસ્થિતિમાં એવી આશા સેવાઇ રહી છે કે, ઇલેકટ્રીક વાહન પછી તે સ્કુટર હોય કે પછી કાર તેના ભાવમાં ભારે ઘટાડો થશે જેના કારણે લોકોનું ઇલેકટ્રીક વાહનો પ્રત્યેનું આકર્ષણ વધશે. નાણા પ્રધાન સીતારમણે પણ બજેટમાં ઇલેકટ્રીક વાહનોની લોનમાં ૧.પ થી ર.પ લાખની વ્યાજ છૂટની જાહેરાત કરી હતી. આના કારણે ઉદ્યોગની આશા વધી ગઇ છે જો કે જે કંપનીઓ ઇલેકટ્રીક વાહનો તરફ આગળ નથી વધી તેમણે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

(11:37 am IST)