Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

૨૦૧૮ના અંત સુધી બે કરોડ ગરીબોને ઘર બનાવીને અપાશે

લોકસભાની ચૂંટણી પહેલા મહત્વકાંક્ષી યોજના પૂર્ણ કરવા તૈયારી : પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આ વર્ષના અંતે એક કરોડ મકાનનું નિર્માણ પરિપૂર્ણ થશે : શહેરોમાં ૧.૧૮ કરોડ મકાન ૨૦૨૦ સુધી બનાવાશે

નવી દિલ્હી,તા. ૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર લોકસભાની ચૂંટણીને લઇને તૈયારી વધારે ઝડપી કરી ચુકી છે. તે પોતાની મહત્વકાંક્ષી યોજના તમામ માટે ઘરને ચૂંટણી પહેલા પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. કેન્દ્રની યોજના ૨૦૧૮ના અંત સુધીમાં શહેરી અને ગ્રામીણ ગરીબોને બે કરોડ ઘર બનાવીને આપવાની યોજના ધરાવે છે. લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરતા પહેલા તેની આ યોજના  રહેલી છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ  યોજના હેઠળ આ વર્ષના અંત સુધી એક કરોડ ઘરનુ નિર્માણ કરવામાં આવનાર છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે શહેરોમાં ૧.૧૮ કરોડ ઘરનુ  નિર્માણ કામ વર્ષ ૨૦૨૨ના બદલે વર્ષ ૨૦૨૦ સુધી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ગ્રામીણ વિસ્તારોમાં એક કરોડ ઘરને આ વર્ષના અંત સુધી આનો લાભ મેળવનાર લોકોને આપી દેવામાં આવનાર છે. ફાળવણી કરવામાં આવ્યા બાદ એવી ખાતરી થશે કે એવા લોકોને પણ મકાન જલ્દીથી મળનાર છે આ પહેલા ૪૫ લાખ ઘરને મંજુરી આપવામાં આવી ચુકી છે.

ભાજપના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે આવાસ યોજના મોદી સરકાર માટે ઉપયોગી યોજના છે. ગરીબોને ઘર આપવાથી તેમની લાઇફમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે. આ યોજનાના આધાર પર પાર્ટી દેશમાં ગરીબોથી આગામી ચૂંટણીમાં મત હિમ્મતપૂર્વક માંગી શકે છે. ખાસ કરીને ચૂંટણી વેળા આયોજનાને ગ્રામીણ વિસ્તારોમાં લઇને સરકાર જવા માટે તૈયાર છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આ યોજનામાં જોરદાર રીતે આગળ વધી શકી છે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે ઘરની કમી હતી. છેલ્લા એક વર્ષમાં યોગી સરકારે ૮૦૦૦૦૦ મકાનો બનાવી દીધા છે. જે બીજા રાજ્યો કરતા આગળ છે. સરકારે આને લઇને ૧.૨ લાખ રૂપિયાની સબસિડીને લઇને પ્રક્રિયામાં સુધારા પણ કર્યા છે. રાજ્ય સરકારને જાણવા મળ્યું છે કે, લોકોને જનધન યોજના માધ્યમથી તેમના જનધન ખાતામાં સીધી સબસિડી પહોંચાડવાથી કામ થઇ રહ્યું નથી.

જનધન ખાતામાં એક વર્ષના ગાળામાં માત્ર એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે અને સાથે સાથે આ ખાતામાં એક વખતમાં ૫૦૦૦૦ રૂપિયાથી વધારેની લેવડદેવડ થઇ શકતી નથી. ઉત્તર પ્રદેશ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, છેલ્લા એક વર્ષના ગાળામાં ઉલ્લેખનીય કામગીરી થઇ રહી છે. છેલ્લા એક વર્ષમાં બીજા રાજ્ય મધ્યપ્રદેશમાં ૬૦૦૦૦૦ મકાનનું નિર્માણ થયું છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં ૩૫૦૦૦૦-૩૫૦૦૦૦ મકાનોનું નિર્માણ થયું છે. આ યોજના હેઠળ ૪૦ લાખથી વધારે ઘરોનું નિર્માણ કામ પૂર્ણ કરાયું છે.

૨૦૧૬માં પ્રધાનમંત્રી આવાસ યોજના લોંચ કરાઈ હતી જેની ડેડલાઈન માર્ચ ૨૦૧૯ રાખવામાં આવી છે.મોદી અને યોગી સરકાર આક્રમક રીતે આગળ વધી રહી છે. તમામ યોજના પર ધ્યાન આપવામા ંઆવી રહ્યુ છે. આગામી વર્ષની શરૂઆત પહેલા કેટલીક યોજનાના લાભ લોકો સુધી નક્કરરીતે પહોંચાડી દેવા માટે સરકાર સંપૂર્ણ પણે કટિબદ્ધ છે. આના માટે તૈયારી પણ કરવામાં આવી છે. મોદી તમામ લોકકલ્યાણ યોજના પર પોતે નજર રાખી રહ્યા છે. વારંવાર લોકો સમક્ષ સરકારની યોજનાની વાત પણ કરવામા ંઆવી રહી છે. (૨૧.૩૧)

 

(4:11 pm IST)