Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

POKમાં આતંકવાદી લોન્ચ પેડ ફરીથી સક્રિય થતાં જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા બળો એલર્ટ

લગભગ 200થી વધારે આતંકવાદીઓ લોન્ચ પેડ પરથી જમ્મૂ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની તૈયારીમાં હોવાનાં અહેવાલ

નવી દિલ્લી તા.03 : પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ભારતમાં ઘુસણખોરીનાં પ્રયાસો કરવામાં આવે છે. જેને ઘણીખરી વખત ભારતીય સેના દ્વારા અટકાવવામાં આવ્યા છે. ત્યારે POKમાં એક ડઝનથી વધારે આતંકવાદી લોન્ચ પેડ ફરીથી સક્રિય થવા અંગે ગુપ્તચર પાસેથી માહિતી મળતા જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો એલર્ટ થઈ છે.

એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, લગભગ 200થી વધારે આતંકવાદી POKમાં આ લોન્ચ પેડ પરથી જમ્મૂ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જોખમને ધ્યાનમાં રાખીને નિયંત્રણ રેખા પર ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવવા માટે BSF અને સેનાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

તેમણે વઘુ જણાવ્યું હતું કે, આતંકવાદીઓને જમ્મૂ કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે સુરંગ અને નદી કિનારાના ક્ષેત્રોનો ઉપયોગ કરવાનું શીખવાડવામાં આવી રહ્યું છે. આ ઘુસણખોરીની ફિરાકમાં રહેલા આતંકવાદીઓ લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ રાજૌરી અને પુંછ તરફથી ઘુસણખોરી કરવાની ફિરકમાં છે.

(11:03 pm IST)