Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

૬ મહિનામાં ત્રીજી વખત તેલંગણામાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની યાત્રા દરમિયાન પ્રોટોકોલનું મુખ્‍યમંત્રી કે.સી.આર. પાલન નહી કરે : જો કે વિપક્ષી રાષ્‍ટ્રપતિના ઉમેદાવર યશવંતસિંહાના સ્‍વાગત માટે આખા મંત્રીમંડળ સાથે પહોંચશે

અગાઉ વડાપ્રધાન આવ્‍યા ત્‍યારે પણ મુખ્‍યમંત્રી બેગલુરૂ જતા રહ્યા હતા

નવી દિલ્‍હી : તેલંગણામાં મુખ્‍યમંત્રી કે.સી.આર ત્રીજી વખત પ્રોટોકોલનું પાલન નહી કરે અને વડાપ્રધાનના સ્‍વાગત માટે એરપોર્ટ ઉપર નહીં જાય.

તેલંગણાની સત્તાધારી ટીઆરએસ અને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયેલું છે. આ તમામની વચ્ચે આજે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે હૈદરાબાદ પહોંચશે. બીજી બાજૂ વિપક્ષી રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિન્હા પણ હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પહોંચશે. મોદીના સ્વાગત માટે રાજ્યમાંથી ફક્ત એક મંત્રી જશે, તો વળી સિન્હાને લઈને સીએમ કેસીઆર સહિત આખુ મંત્રીમંડળ ત્યાં જશે.

પીએમ મોદીના પહોંચ્યા બાદ થોડી કલાક બાદ સિન્હા બેગમપેટ પહોંચશે. ત્યાં રાજ્ય સરકાર તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ખુદ સીએમ કેસીઆર અને તેમના મંત્રીગણ ત્યાં હાજર રહેશે. આ બાજૂ પીએમ મોદીના સ્વાગત માટે રાજ્ય સરકારમાંથી ફક્ત એક મંત્રીને મોકલ્યા છે. મોટા ભાગે પ્રધાનમંત્રી જ્યારે કોઈ રાજ્યની મુલાકાતે જાય છે, તો રાજ્યપાલ સહિત સીએમ તથા રાજ્યના મંત્રીઓ પણ એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કરશે. કેસીઆર પહેલા પણ પીએમ મોદીની મુલાકાતથી દૂર રહેલા છે.

છ મહિનામાં ત્રીજી વાર છે, જ્યારે સીએમ કેસીઆર પીએમ મોદીની યાત્રા દરમિયાન પ્રોટોકોલનું પાલન નહીં કરે. આ અગાઉ પીએમ મોદી ઈંડિયન સ્કૂલ ઓફ બિઝનેસની 20મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે તેલંગણા ગયા હતા, ત્યારે પણ કેસીઆર બેંગલુરુ જતાં રહ્યા હતા. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ પીએમ મોદી હૈદરાબાદની મુલાકાતે ગયા હતા, ત્યારે પણ કેસીઆર તેમના સ્વાગત માટે પહોંચ્યા નહોતા.

કેસીઆરે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાને ટેકો આપ્યો છે. તેલંગણાના સીએમ તથા ટીઆરએસના પ્રમુખ રાવે સિન્હાને વિપક્ષના ઉમેદવાર બનાવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 18 જૂલાઈએ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાની ટક્કર એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ સાથે થવાની ચે.

હૈદરાબાદમાં આજે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક થવા જઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ ઉપરાંત વરિષ્ઠ નેતાઓ પણ જોડાવાના છે. આ બેઠકમાં પીએમ મોદી સામેલ થશે તથા સંભવત તેઓ રવિવારે બેઠકમાં સંબોધન પણ કરશે. આ બેઠક હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં થઈ રહી છે.

(2:26 pm IST)