Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમેરિકામાં જૂન મહિનામાં ૪૮ લાખ નવી નોકરીનું સર્જન

કોરોનાની મહામારીના કહેરની વચ્ચે લોકોને રાહત : સતત બીજા મહિને બેરોજગારી દર ઘટીને ૧૧.૧ ટકા થઈ ગયો, જો કે, મંદીમાં નોકરીઓ છૂટી તેનો નાનો હિસ્સો

વોશિંગ્ટન, તા. ૩ : અમેરિકામાં કંપનીઓમાં જૂન મહિનામાં અંદાજે ૪૮ લાખ જેટલી નવી નોકરીઓનું સર્જન થયું હોવાનું એક રિપોર્ટમાં કહેવાયું છે. રોજગાર મામલે સતત બીજા મહિને પણ સારા પ્રદર્શનના કારણે અમેરિકાનો બેરોજગારી દર ઘટીને ૧૧.૧ ટકા થઈ ગયો છે. જો કે, તે કોરોના મહામારી દરમિયાન સર્જાયેલી મંદીને લીધે જે નોકરીઓ છૂટી તેનો નાનો એવો હિસ્સો જ છે, તેમ રિપોર્ટમાં કહેવાયું છે. મહામારી દરમિયાન લોકડાઉનના કારણે અમેરિકામાં આશરે ૨.૨ કરોડ લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. નવી સર્જાયેલી નોકરીઓની તકના કારણે અમેરિકા તે પૈકીના એક તૃતિયાંશ રોજગારોનું પુનઃસર્જન કરવામાં સફળ રહ્યું છે. અમેરિકાના દક્ષિણ રાજ્યો (સન બેલ્ટ)માં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે. તેના કારણે રોજગારની સ્થિતિમાં જે સુધારો આવી રહ્યો છે તે અટકી શકે છે. આ રાજ્યોમાં જે કેટલીક રેસ્ટોરા, બાર અને છૂટક દુકાનોએ કારોબાર ફરી શરૂ કરેલો તેને ફરીથી બંધ કરવા મજબૂર થવું પડ્યું છે.

કારોબાર ફરીથી બંધ થવાના કારણે છટણીઓનો દોર ચાલુ છે અને ગત સપ્તાહે બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારા લોકોની સંખ્યા ૧૪.૭ લાખે પહોંચી હતી. માર્ચ મહિનાના અંતમાં બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં અચાનક જ તેજી જોવા મળી હતી. ત્યારથી જ તેમાં સાપ્તાહિક દરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે તે ૧૯૮૨ના ઉચ્ચસ્તર કરતા હજું પણ બમણી છે. આજે પણ બેરોજગારી ભથ્થુ મેળવી રહેલા લોકોની સંખ્યા ૧.૯ કરોડ જળવાયેલી છે. કેલિફોર્નિયામાં બાર, સિનેમાઘર અને બેસીને જમી શકાય તેવી સુવિધા આપતા રેસ્ટોરા ફરી બંધ થયાં છે. ફ્લોરિડામાં પણ દરિયા કિનારા અને બારના કારોબાર બંધ થયા છે. ટેક્સાસે પોતાના અર્થતંત્રને ફરી ખોલવાની કેટલીક યોજનાઓ જાળવી રાખી છે. જ્યારે ન્યૂયોર્કમાં બેસીને જમી શકાય તેવી સુવિધા આપતા રેસ્ટોરા ખોલવાની યોજના ટાળી દેવામાં આવી છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચા પર નજર રાખતી કંપની જેપી મોર્ગન ચેઝના અહેવાલ પ્રમાણે ગ્રાહકોએ છેલ્લા સપ્તાહો દરમિયાન પોતાની ખરીદી ઘટાડી છે.

(7:25 pm IST)