Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જો મકાનનો સોદો કેન્સલ થાય તો

બુકિંગ એમાઉન્ટને બાદ કરતાં બિલ્ડરે તમામ રકમ પાછી આપવી પડેઃ ગ્રાહક પંચનો ચુકાદો

બિલ્ડર પોતાની મરજી મૂજબ રિફંડ નક્કી કરી ન શકે

નવી દિલ્હી, તા.૩: જો બિલ્ડર મકાનનું પઝેશન આપવામાં મોડું કરે, અને કોઈ વ્યકિત સોદો કેન્સલ કરવા ઈચ્છે તો બિલ્ડરે તેને કેટલી રકમ રિફન્ડ આપવી પડે? નેશનલ કન્ઝયુમર ડીસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને આ અંગે એક મહત્વનો આદેશ આપ્યો છે. સાથે જ કમિશને એવું પણ જણાવ્યું છે કે જો બિલ્ડર પઝેશન આપવામાં એકાદ વર્ષ મોડું કરે તો તે વાજબી ગણાય, અને તેના ગ્રાઉન્ડ પર દ્યર ખરીદનાર તમામ રકમ પાછી માગી શકે નહીં.

દિલ્હી નજીકના ગુરગાંવમાં એક વ્યકિતએ ૧.૬૮ કરોડ રુપિયાનો ફ્લેટ ૨૦૧૩માં ૧૦ લાખ રુપિયા ભરીને બુક કરાવ્યો હતો. બાદમાં બેંક લોન દ્વારા બિલ્ડરને ધીરે-ધીરે કરીને ૧ કરોડ રુપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે, બિલ્ડરે વાયદા કરતા ૧૪ મહિના મોડું છેક ૨૦૧૮માં પઝેશન ઓફર કર્યું હતું. પરંતુ દ્યર ખરીદનારાએ પઝેશન લેવાનો ઈનકાર કરી દીધો હતો, અને સોદો કેન્સલ કરાવી પોતે જેટલી પણ રકમ ચૂકવી છે તે તમામ રિફન્ડ કરવાની માગ કરી હતી.

જોકે, બિલ્ડરે તેનો ઈનકાર કરી દેતા સમગ્ર મામલો ગ્રાહક પંચમાં પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતા જસ્ટિસ વીકે જૈને જણાવ્યું હતું કે, બિલ્ડર પોતે કરેલા એગ્રિમેન્ટને આગળ ધરીને પોતાની મરજી અનુસાર રિફન્ડની રકમ નક્કી ના કરી શકે. આવા કિસ્સામાં થતાં એગ્રિમેન્ટ એક તરફી હોય છે, અને ગ્રાહકને તેમાં કંઈ કહેવાનો અવકાશ નથી હોતો જે ખોટું છે. ગ્રાહકે તમામ રકમ વ્યાજ સાથે પરત માગી હતી. જોકે, તેનો ઈનકાર કરતા કમિશને જણાવ્યું હતું કે બુકિંગ અમાઉન્ટને બાદ કરતાં બિલ્ડરે તમામ રકમ પાછી આપવી પડશે.

આ કેસમાં ઘર બુકિંગ કરાવતી વખતે ગ્રાહકે ૧૦ લાખ રુપિયા ભર્યા હતા. આ રકમને બુકિંગ અમાઉન્ટ ગણાવી કોર્ટે તે પાછી ના મળી શકે તેમ સ્પષ્ટ કર્યું હતું. વળી, ગ્રાહકે બિલ્ડરે પઝેશન આપવામાં ૧૪ મહિના મોડું કર્યાનું કારણ આગળ ધરી રુપિયા પાછા માગ્યા હતા. જેના પર કમિશને જણાવ્યું હતું કે મોટા પ્રોજેકટમાં ૧ વર્ષ અને બે મહિના મોડું થવું સામાન્ય બાબત ગણાય અને તેના આધારે ગ્રાહક સંપૂર્ણ રકમ બિલ્ડર પાસેથી વ્યાજ સહિત પાછી મેળવવાને હકદાર નથી.

(3:43 pm IST)