Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નેપાળના વડાપ્રધાન ખુરશી બચાવવા પક્ષના ઉભા બે ફાડીયા કરી નાખશે ?

ખાસ વટહુકમ લાવી પક્ષ - વિભાજન કરશેઃ ગુપચુપ રીતે નવો ''નેપાળી કોમ્યુનીસ્ટ પાર્ટી'' પક્ષ બનાવી લીધો

કાઠમંડુઃ ભારતના પડોશી દેશ નેપાળમાં રાજકીય ઘટનાક્રમ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. ભારત સાથે સંઘર્ષ વચ્ચે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામાની માગ તીવ્ર થઈ ગઈ છે.

આવા સમયે પીએમ ઓલી ગુરૂવારે રાષ્ટ્રપતિને મળ્યા હતા. પછી તેમણે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી, જેમાં નેપાળ સંસદનું વર્તમાન બજેટ સત્ર રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, આ સાથે ઓલી કેબિનેટમાં પક્ષ વિભાજનનો વટહૂકમ લાવવાની તૈયારી છે.

હાલ નેપાળના કાયદા મુજબ પક્ષ વિભાજન માટે ૪૦ ટકા સાંસદ અને ૪૦ ટકા પક્ષની કેન્દ્રિય સમિતિના સભ્યના સમર્થનની જરૂર હોય છે, પરંતુ નવા વટહૂકમમાં આ બંનેમાંથી કોઈ એકનું પણ સમર્થન હોય તો પક્ષ વિભાજનને માન્યતા આપી દેવાશે.

આ પહેલાં ઓલીએ ગુપચુપ રીતે એક નવો પક્ષ નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (યુએમએલ) બનાવી લીધો છે. વડાપ્રધાનપદ બચાવવા માટે ઓલી પાસે પક્ષનું વિભાજન જ એકમાત્ર રસ્તો છે. નવો વિભાજન વટહૂકમ લાગૂ થતાં જો પક્ષ વિભાજન પછી સંસદમાં રહેલા પક્ષો વચ્ચે કોઈ સંમતિ ન બને અને કોઈપણ ગઠબંધનને બહુમતી નહીં મળી શકે તો એવામાં તેઓ સંસદ ભંગ કરીને મધ્યવર્તિ ચૂંટણી કરાવી શકે છે.

નેપાળે ભારતના ત્રણ વિસ્તારોને પોતાના ગણાવી નવો નકશો જાહેર કર્યો ત્યારથી ત્યાં રાજકીય સંકટની શરૂઆત થઈ છે. ત્યાર પછી અનેક વખત ઓલીએ ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું અને ભારત સાથે સંદ્યર્ષ થાય તેવા મુદ્દાઓને ઉછાળ્યા હતા.

ભારતીય વિસ્તારોને પોતાના ગણાવ્યા પછી નેપાળે ભારત સાથેની ખુલ્લી સરહદો પર ચોકીઓ ગોઠવી દીધી હતી તેમજ સંસદમાં હિન્દી ભાષા પર પ્રતિબંધની દરખાસ્ત પણ કરી હતી. ઉપરાંત તેમણે નેપાળી પુરૂષો સાથે લગ્ન કરનાર નેપાળી મહિલાઓની નાગરિકતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.  જેની સામે જબરો રોષ-વિરોધ સર્જાયા છે.

(3:07 pm IST)