Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રવિવાર સુધી દક્ષિણ- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓમાં મુશળધાર વરસશે

ચોમાસુ રેખા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વેના રાજયો ઉપર છવાઈ : મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને છતિસગઢમાં પણ આગાહી

નવી દિલ્હીઃ દેશભરમાં નેઋત્યનું ચોમાસુ ફરી સક્રિય થઈ રહ્યું છે. ચોમાસુ રેખા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વના રાજયો ઉપર છે. આ સિવાય દેશના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ્સ સક્રિય છે. જેની અસરથી ગુજરાતના દક્ષિણ અને ઉત્તરના ભાગો તેમજ સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓમાં આગામી રવિવાર સુધી મુશળધાર વરસાદ પડશેે. તેમ વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

જુલાઈ મહિનામાં પ્રથમ બે દિવસમાં દેશના અનેક ભાગોમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ લાંબા સમય બાદ સમગ્ર દેશભરમાં નેઋત્વનું ચોમાસુ ગતિશીલ થઈ રહ્યું છે. પશ્ચિમી દરિયાકિનારા, મધ્ય ભારતના તમામ ભાગો, પૂર્વોતર રાજયો, ઉત્તર ભારતના રાજયોમાં ચોમાસુ સક્રીય રહેશે. પ્રથમ વખત એવું બનશે કે દક્ષિણ ભારતના અમુક રાજયો સિવાયના રાજયોમાં વરસાદ પડશે.

આ દિવસો દરમ્યાન રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો આવશે કે જયાં ગરમીનો પારો હાલમાં ૪૨ થી ૪૪ ડિગ્રી નોંધાઈ રહ્યો છે. બીકાનેરમાં તાપમાન ૪૪.૮ ડીગ્રી નોંધાયું હતું.

હાલમાં ચોમાસુ રેખા રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને પૂર્વોતર રાજયો ઉપર છે. આ સિવાય અનેક સિસ્ટમ્સ દેશના અલગ-અલગ ભાગોમાં છવાયેલ છે. ઓફસોરટ્રફ મહારાષ્ટ્રથી કર્ણાટક સુધી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક દિવસોથી એક સાયકલોનીક સરકયુલેશન બનેલું છે.

આજથી ૫ જુલાઈ સુધી કોંકણ, ગોવા, કર્ણાટકના દરિયાકિનારાથી ગુજરાતના સુરત, વલસાડ, નવસારીથી સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓમાં મુશળધાર, ઉત્તરના ભાગોમાં કચ્છ, પૂર્વ ગુજરાતનો ઉત્તરનો ભાગ, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવીકાલથી વરસાદમાં વધારો થવા લાગશે. બે દિવસ સારો વરસાદ રહેશે.

મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડા, એમ.પી.ના પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં કેટલાક દિવસો સુધી ચોમાસુ સક્રીય રહેશે. ઈન્દોર, ઉજજૈન સહિતના શહેરોમાં વરસાદ પડશે.

જયારે છતિસગઢમાં ૨૪ કલાકમાં દક્ષિણના ભાગોમાં સંભાવના વધુ છે. ત્યાર પછી રાયપુરથી વિલાસપુર સુધી તેમજ છતિસગઢમાં પણ વરસાદ પડશે.

દક્ષિણ ભારતના તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુમાં વરસાદની આગાહી છે.

(3:06 pm IST)