Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વંદે ભારત મિશન અંતર્ગત આજથી ચોથા તબક્કાનો પ્રારંભ : વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવશે સ્વદેશ

કુલ 5,83,109 ભારતીઓએ વિદેશી દૂતાવાસોમાં નોંધણી કરાવી

નવી દિલ્હી : કોરોના રોગચાળાને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવા માટે શરૂ કરવામાં આવેલા વંદે ભારત અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 4.75 લાખથી વધુ લોકોને ઘરે પરત લાવવામાં આવ્યા છે. જેના ચોથા તબક્કાની આજથી શરૂઆત થવા જઇ રહી છે.  આજે 3 જુલાઈથી 15 જુલાઈ સુધી આ તબક્કો ચાલશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, 1 જુલાઈ સુધીમાં દેશ પાછા ફરવા માંગતા કુલ 5,83,109 ભારતીઓએ વિદેશી દૂતાવાસોમાં નોંધણી કરાવી હતી. તેમાંથી 4,75,000 થી વધુ લોકોને વંદે ભારત અભિયાન હેઠળ દેશમાં પાછા લાવવામાં આવ્યા છે. વળી આ ચોથા તબક્કામાં 500 થી વધુ ફલાઇટનું સંચાલન કરીને વિદેશમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવામાં આવશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે, વંદે ભારત અભિયાન અંતર્ગત મંત્રાલય ચોથા તબક્કામાં 500 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. આમાં એર ઇન્ડિયા અને ખાનગી ઉડ્ડયન કંપનીઓ બંને શામેલ છે. શ્રીવાસ્તવે કહ્યું કે અભિયાનનાં ચોથા તબક્કામાં સંચાલિત થનારી ફ્લાઇટ્સની સૂચિ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને તેને સતત અપડેટ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે 7 મે થી શરૂ થયેલ વંદે ભારત અભિયાન ગુરુવારથી તેના ચોથા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે.

(1:41 pm IST)