Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

૧૯૬૨ : ..સરદાર અને મેકમોહને ચેતવણી આપી હતી, પણ...

વીસ વર્ષના ગૃહયુધ્ધ બાદ ઓકટોબરની પહેલી તારીખે, ૧૯૪૯ના રોજ સામ્યવાદીઓએ રાષ્ટ્રવાદીઓને હરાવી પીપલ્સ રીપબ્લીક ઓફ ચાઇનાની સ્થાપના કરી. બરાબર એક વર્ષ પછી સાતમી ઓકટોબર, ૧૯૫૦ના રોજ ચાઇનાએ તિબેટમાં પીપલ્સ લીબરેશન આર્મી મોકલ્યું અને તિબેટ કબજે કરી લીધું.

તિબેટ એ ભારત અને ચીન વચ્ચે આવેલ દેશ છે. આથી તિબેટ એક ભારત અને ચીન વચ્ચેનું બફર સ્ટેટ છે. તિબેટ દેશના નેતાઓએ તે સમયે ભારતને મદદ કરવા માટે ઘણી વિનવણી કરી હતી. પરંતુ તે સમયના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ તિબેટને શાંતિપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવવાની સલાહ આપેલ કે.એમ. પાણીકર તે સમયે ભારતના એલચી તરીકે ચીનમાં કામ કરતા હતા. તેમણે શ્રી જવાહરલાલ નહેરૂને વિરોધ ન કરવાની સલાહ આપી. તેમનું એમ માનવાનું હતું કે ચીન તિબેટને સ્વતંત્ર રાજ્ય રહેવા દેશે. ભારતે પણ થોડા પત્રો લખ્યા અને જણાવ્યું કે, અમને તિબેટની ખૂબ ચિંતા છે. ચીને પણ જવાબ આપ્યો કે અમે શાંતિથી પ્રશ્નનું નિરાકરણ કરીશું. તેમણે શાંતિથી ધીરે ધીરે તિબેટની સંસ્કૃતિનો સત્યાનાશ કરી નાખ્યો. તિબેટીયનોને દૂર ખૂણામાં નાખી હવે તિબેટમાં ચીનીઓને વસાવી દીધા છે.

તારીખ ૧૭મી નવેમ્બર, ૧૯૫૦ના રોજ સરદાર પટેલે શ્રી નેહરૂને પત્ર લખી અને ચેતવેલા. તેમણે લખ્યું, 'ચીની સરકારે શાંતિના દાવા કરી આપણને છેતર્યા છે. ચીની સરકાર આ બધો વખત આક્રમણની જ તૈયારી કરી રહી હતી. આ કદમ એમની નરી લુચ્ચાઇ છે. તિબેટવાસીઓએ આપણામાં મુકેલ વિશ્વાસનો આપણે દ્રોહ કર્યો છે. હવે પછીની આપણા દુશ્મનોની ગણતરીમાં પાકિસ્તાન ઉપરાંત ચીનની ગણતરી પણ કરવી પડશે.'

સરદારની આ ચેતવણીના જવાબમાં શ્રી જવાહરલાલ નેહરૂએ પોતાના ૧૮મી નવેમ્બર ૧૯૫૦ના પત્રમાં લખ્યું કે, 'ચીન તરફથી આપણા ઉપર લશ્કરી હુમલો થાય તે લગભગ અસંભવ જ છે, તેવું મને લાગે છે. ચીન આવું કરે તેવી કલ્પના પણ કરી શકાય નહીં. ચીન તરફથી હુમલો થવાની સંભાવના હું નકારી કાઢું છું.'

સરદાર પટેલની ચેતવણીની અવગણના કરી આપણે ૧૯૬૨ના ચીન સામેના યુધ્ધમાં ખૂબ મોટી કિંમત ચૂકવી. પહેલા તો આપણે ભારત - ચીનની સરહદ મેકમોહન લાઇનને જાણીએ.

મેકમોહન લાઇન : ભારત - ચીન સરહદનો વિવાદ સમજવા આ સરહદ નિર્ધારીત કરતી એક મોહન લાઇનને જાણવી જરૂરી છે.

૧૯૧૪માં બ્રીટીશ સરકાર તિબેટ તથા ચીનની તે સમયની રાજાશાહી સરકાર વચ્ચે એક મિટીંગ થઇ. આ વખતે સર હેનરી મેકમોહન વિદેશ સચીવ હતા. સરહદો નક્કી કરવામાં તેમનો રોલ ખૂબ મોટો હતો તેથી આ સરહદને મેકમોહન લાઇન તરીકે ઓળખવામાં આવી. આ પ્રમાણે તો અક્ષય ચીન ભારતમાં આવે છે. મેકમોહન લાઇન તિબેટનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારે છે. ભારત આ મેકમોહન લાઇનને સ્વીકારે છે. જ્યારે ચીન તે સ્વીકારવા તૈયાર નથી કારણ કે ચીન તિબેટનું સ્વતંત્ર અીસ્તત્વ સ્વીકારવા માંગતુ નથી. સિમલામાં થયેલ આ મિટીંગમાં બનાવેલ મેકમોહન લાઇન ભૂલાઇ ગઇ હતી. પરંતુ ૧૯૩૫માં બ્રિટીશ સિવિલ સર્વિસ ઓફિસર ઓલ્ફ કેરોઇએ તે સમયની બ્રિટીશ સરકારને સમજાવી આ લાઇનને ફરી સરહદ તરીકે જાહેર કરાવી.

ભારતને સ્વતંત્રતા ૧૫ ઓગષ્ટ ૧૯૪૭માં મળી. સરદાર પટેલ નાયબ વડાપ્રધાન તથા ગૃહપ્રધાન બન્યા. તેમણે તેમના પત્રમાં ચીનના ઇરાદાઓ વિશે ચેતવણી આપી તે પત્ર લખ્યા બાદ બે મહિનામાં તેમનું મૃત્યુ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ થયું. ત્યારબાદ શ્રી નેહરૂને ચેતવણી આપનાર હતા. ચીફ ઓફ આર્મી જનરલ થીમૈયા કે.એસ. તેમણે બીજા વિશ્વ યુધ્ધમાં કમાન્ડર તરીકે જવાબદારી નિભાવી. ૧૯૪૭ના કાશ્મીર માટે પાકિસ્તાન સાથે થયેલા યુધ્ધમાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. લેહ તરફ જવાનો રસ્તો દ્રાસ, ઝોઝીલા અને કારગીલ થઇને જતો હતો. પાકિસ્તાનીઓએ એ રસ્તો કબ્જે કરી લીધેલ. તે સમયે લેહમાં રહેલ આપણી બટાલીયન નબળી હતી. હવે જો તે બટાલિયનને સૈનિક સહાય કરવામાં ન આવે તો લેહ પર પાકિસ્તાની કબ્જો થઇ જાય. સૈનિકોને લેહમાં ઉતારવાની તાતી જરૂર હતી પરંતુ લેહમાં ત્યારે એરસ્ટ્રીપ વિમાન ઉતારવા માટે ન હતી. પરંતુ થીમૈયા એર કોમોડોર મહેરસીંગ પાસે ગયા. તેમને જોખમ લઇને ડાકોટા વિમાનને લેહમાં ઉતારવા માટે વિનંતી કરી. તેમણે જોખમ લઇને ડાકોટા વિમાન ૧૧૫૦૦ ફૂટની ઊંચાઇએ સહીસલામત ઉતાર્યુ અને તે પણ લેહની રેતીની કામચલાઉ એરસ્ટ્રીપ ઉપર, લેહના લોકોએ તે સમયે (૧૯૪૭માં) વિમાન પહેલી વખત જોયું તેમને તો સ્વર્ગમાંથી વિમાન આવ્યું હોય તેમ લાગ્યું અને તેની પૂજા પણ કરી. આ પછી તો પ્લેનથી આવેલા સૈનિકોએ લેહનું રક્ષણ કર્યું.

આ પછી ઝોઝીલા પાસ કબ્જે લેવાનો હતો. સોળ હજાર ફૂટની ઊંચાઇ પર આવેલ આ ઝોઝીલા પાસનો કબજો લેવામાં બે વખત તો નિષ્ફળતા મળી હતી. ત્રીજી વખત હુમલો કરતા પહેલા શ્રીનગરમાં મીટીંગ ગોઠવવામાં આવી હતી. થીમૈયાએ ટેંક લઇ જઇને યુધ્ધ કરવાની મંજૂરી જનરલ કોરઅપ્પા પાસે લઇ લીધી. મિશનની ગુપ્તતા જાળવવા શ્રીનગરમાં કર્ફયુ નાખવામાં આવ્યો. જ્યારે ટેન્ક શ્રીનગરમાંથી નીકળી ત્યારે તેનું નાળચું ઢાંકી દેવામાં આવ્યું તેથી કોઇને ખ્યાલ ન આવ્યો કે ટેન્ક પસાર થઇ ગઇ. હવે બે વખત હુમલો કર્યો પરંતુ બરફની વર્ષાને કારણે નિષ્ફળ ગયો. ત્રીજો હુમલો કરવા થીમૈયાએ ટેન્કના કાફલાની આગેવાની લીધી અને ઝોઝીલા પાસ જીતીને કાશ્મીર તથા લેહને બચાવી લેવાયા. શત્રુઓએ અહી ટેન્કનો કાફલો આવી શકે એવું વિચાર્યું જ ન હતું.

એકાવન વર્ષની ઉંમરે શ્રી થીમૈયાને જનરલ તરીકે પ્રમોશન મળ્યું. આ સાથે તેમણે ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

૧૯૫૭માં જ્યારે ચીને અક્ષય ચીનના વિસ્તારમાં રસ્તો બાંધવા માંડયો ત્યારે શ્રી થીમૈયાએ ભારતીય લશ્કરના વડા તરીકે ભારતની ચીન તરફની પૂર્વ તથા પશ્ચિમ ભાગમાં લશ્કરી કવાયતો કરાવી હતી અને નીરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ પછી તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે જો લશ્કરની આ સરહદ પર મજબૂત કરવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામ આવી શકે. તેથી તે સમયના સંરક્ષણ પ્રધાન વી.કે.કૃષ્ણમેનનની સાથે મુલાકાત ગોઠવી. તેમણે ચીની સરહદ પર વધારે સૈનિકોની ભરતી તથા શસ્ત્ર સરંજામની માંગણી કરી. ચીન તરફથી ગમે ત્યારે આક્રમણ થઇ શકે તેની તૈયારી રૂપે આ પગલા લેવા જરૂરી છે. પરંતુ શ્રી વી.કે.કૃષ્ણમેનન એક અહંકારી અને તુંડમિજાજી હતા. કૃષ્ણમેનન એમ માનતા હતા કે લશ્કરી વ્યૂહરચના તથા શસ્ત્ર વિશે ચીફ ઓફ આર્મી કરતા વધારે સમજણ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ચીન તરફથી આક્રમણ થવાની કોઇ શકયતા નથી. તેથી લશ્કર માટે વધારે ખર્ચ કરવાની જરૂર નથી.

શ્રી થીમૈયાને વડાપ્રધાને બોલાવ્યા. વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂ સાથે તેમણે વાત કરી અને લશ્કરની જરૂરીયાતો વિશે પણ સમજાવ્યું. શ્રી વી.પી.ક્રિષ્નામેનનને આ વાતની જાણ થઇ ત્યારે તેમણે ચીફ ઓફ આર્મી થીમૈયાને બોલાવ્યા અને કહ્યું, 'મને તમારા જેવા માણસની જરૂર નથી. મારે તો વફાદાર અને નિષ્ઠાવાન વ્યકિતની જરૂર છે'

તેમની આ વાત સાંભળીને જનરલ થીમૈયાએ રાજીનામુ આપી દીધું. પરંતુ આ વાતની જાણ મીડિયાને થઇ તેથી ધમાલ થઇ ગઇ. પાર્લામેન્ટમાં સવાલ ઉઠયા. પરંતુ ત્યાં સુધીમાં પ્રધાનમંત્રી નેહરૂએ તેમને સમજાવી રાજીનામુ પાછું ખેચાવી લીધું. જ્યારે પાર્લામેન્ટમાં ચર્ચા ઉઠી તો શ્રી નેહરૂએ કહ્યું કે જનરલ થીમૈયાએ સાવ મામુલી વાતને મુદ્દો બનાવીને રાજીનામુ આપ્યું હતું. મેં તેમને સમજાવીને રાજીનામુ પાછું ખેચાવી લીધું છે. આમા એક હોશિયાર, પ્રમાણિક તથા પોતાના વિષયમાં માહેર એવા એક લશ્કરના ચીફની ચેતવણી અવગણી અને તેમને અપમાનિત પણ કર્યા.

વર્ષ ૧૯૬૧માં જનરલ થીમૈયા નિવૃત્ત થઇ ગયા. તેમના નિવૃત્તિ વખતે તેમણે વકતવ્યમાં જણાવ્યું 'હું આશા રાખું છું તમને (જવાનોને) ચાઇનીઝ ટેન્કના ઘાસચારા તરીકે નાખીને જતો નથી.' જનરલ થીમૈયાની ચીનની સરહદે વધારાની બટાલીયન કે ટેલીફોન લાઇન નાખવાની માંગણી કદી સ્વીકારવામાં ન આવી. કારણ કે શ્રી મેનન એમ માનતા હતા કે ભારતનું દુશ્મન તો પાકિસ્તાન છે. અને ચીન એ મિત્ર દેશ છે. જનરલ થીમૈયાની નિવૃત્તિ બાદ તેમના પદ પર શ્રી કૌલની નિમણૂંક કરવામાં આવી. અનુભવી તથા સીનીયર લશ્કરી અધિકારીઓની અવગણના કરી અને શ્રી કૌલ જનરલ કૌલનું પ્રમોશન આપ્યું. તેથી શ્રી કૌલથી સીનીયર અધિકારીઓએ રાજીનામુ આપ્યું. જનરલ કૌલ શ્રી ક્રિષ્ણ મેનનની હાંસમાં હાં પુરાવે તેવા યસમેન (જી હજૂરીયા) હતા. તેથી તેમને પ્રમોશન આપવામાં આવ્યું. જેની બહુ મોટી કિંમત ભારતે ચીન સામેના ૧૯૬૨ના યુધ્ધમાં ચૂકવી.

યુદ્ધ તથા પરિણામ

યુધ્ધ : ર૦ ઓકટોબર ૧૯૬રના દિવસે ચીને બે અલગ અલગ સરહદો પર હુમલો કર્યો. આ બંને જગ્યા એકીબીજાથી લગભગ ૧૦૦૦ કિ.મી.દુર હતી. એક હુમલો પૂર્વ સરહદ પર કરવામાં આવ્યો અને બીજો હુમલો પશ્ચિમી સરહદ પર કર્યો.

પૂર્વ સરહદ પરનો હુમલો : સિક્કીમ, અરૂણાચલ પ્રદેશની સરહદના વિસ્તાર પર પહેલો હુમલો થયો. નમકા ચુ નદીના દક્ષિણ તટથી હુમલો કર્યો. ચીને ત્રણ પલટન ઉતારી અને આપણા સૈનિકો તેના પ્રમાણમાં ખૂબ ઓછા હતા નદી પરના પાંચ પુલ પરથી હુમલો કરવાની શકયતા હતી પરંતુ ચીની સૈનિકોએ રાતના અંધારામાં નદી ચાલીને પાર કરી અને આપણી ફોન  લાઇન કાપી નાખ્યા બાદ આપણા સૈનિકોની પાછળ પણ ગોઠવાઇ ગયા તેથી આપણા સૈનિકો ઘેરાઇ જતા આપણા સૈન્યએ પીછેહઠ કરી અને ચીને અરૂણાચલ પ્રદેશમાં આગેકુચ શરૂ કરી દીધી.

રરમી ઓકટોબરે વાલોંગ પર હુમલો કર્યો આપણા સૈન્યએ તોપમારો કરવાની કોશીશ કરી પરંતુ ચીનીઓએ જંગલમાં આગ લગાડી ધુમાડો કર્યો તેથી ભારતીય લશ્કરમાં મુંઝવણ અને ગુંચવણ પેદા થઇ અને તેનો ફાયદો લઇ ચીન આગળ વધ્યું અને તવાંગ બીજા દિવસે પહોંચી ગયું

પશ્ચિમી મોરચો : અક્ષઇ ચીનનો પ્રદેશ જે કાશ્મીરમાં આવેલ છે તે ચીને કબજે કરી લીધો ર૦ ઓકટોબરે ચીપચેપ વેલી ગલવાન ખીણ અને પેન્ગોંગ સરોવર પર કબજો કરી લીધો રરમી ઓકટોબર સુધીમાં ચુલસુલની બધી ચોકીઓ કબજે કરી લીધી અને ર૪મી સુધીમાં રેંગગલા રોજ પણ લઇ લીધું.

ર૪ ઓકટોબરે ચીની દળે લગભગ ભારતની સરહદમાં સોળ કિલોમીટર અંદર આવી ગયા હતા.

ત્યાર બાદ ચીની વડા પ્રધાન ચાઉ એન લાઇએ ચીની ટુકડીઓને રોકી અને નેહરૂને વાર્તાલાપ માટેનો પ્રસ્તાવ મોકલ્યો અને એ પત્રમાં જણાવ્યું.

(૧)     વાટાઘાટ દ્વારા બંને સરહદ માટેના વિવાદ ઉકેલશે

(ર) બંને ૬થી ૨૦ કીલોમીટર પાછા જતા રહેશેે.

(૩)     ચીન અરૂણાચલ પ્રદેશમાંથી હટી જશે.

(૪)     અક્ષઇ ચીનનો ભાગ ચીનના કબજામાં રહેશે.

શ્રી નહેરૂએ ૨૭ ઓકટોબરના જવાબ આપ્યો કે અમે શાંતિ ઇચ્છીએ છીએ તેથી આઠમી સપ્ટેમ્બર પહેલાની જે સીમારેખા હતી બંને પક્ષે મંજુર કરી. પરંતુ ચીનને અક્ષઇ ચીન જોઇતું હતુ તેથી ખેંચતાણો ચાલી તો આ ખેંચતાણનો ૧૪ નવેમ્બરે ચીને ફરી યુધ્ધ શરૂ કરી અંત લાવ્યો. પૂર્વમાં ચીનીઓએ સેલાવાસ, બોમડીલા, તવાંગ સુધી પહોંચી ગયા. આસામના તેજપુર સુધી પહોંચી ગયા. સ્થાનિક સરકારે તેજપુર, તવાંગ વિગેરે ખાલી કરાવ્યા. સરકારી દસ્તાવેજોનો નાશ કરાવ્યો.

પશ્ચિમી સરહદ પર ચુલસુલ, ગુરંગ હીલ, રેકાંગલા કબ્જે કરી લીધા. અક્ષઇ ચીન કબ્જે કરી લીધું.

૧૯ નવેમ્બરે શ્રી નહેરૂએ ટૂંકમાં ભાષણ આપી અને ચીને કબ્જે કરી લીધેલા વિદેશો વિશે માહિતી આપી.

દિલ્હીમાં તો અફવાઓ ચાલી કે ચીની સૈનિકો પેરાશૂટથી દિલ્હીમાં ઉતરી દિલ્હી કબ્જે કરી લેશે. જનરલ કૌલને તો ચીનીઓએ બંદી બનાવી લીધા છે.

૧૯મી નવેમ્બરે શ્રી નેહરૂએ અમેરિકાના પ્રમુખ જહોન કેનેડીને બે પત્રો લખ્યા. આમાંથી એક પત્રની કોપી સરકારી વિદેશ વિભાગના ખાતામાં છે. બીજા પત્રની નથી. જે પત્રની કોપી છે તે સંક્ષેપમાં નીચે મુજબ છે.

ચીને બોમડીલા, સેલા કબ્જે કરી લીધા છે તેથી આસામના પેટ્રોલના કુવાઓ જોખમમાં છે. ચીનની રાક્ષસી તાકાત કદાચ આખુ આસામ, ત્રીપુરા મણીપૂર અને નાગાલેન્ડને ગળી જાય.

પશ્ચિમમાં ચીની જમાવડાને કારણે યુપી, પંજાબ અને હિમાચલ પ્રદેશ પર પણ ખતરો છે.

ચીન સંપૂર્ણ ઉત્તરપૂર્વનો કબ્જો ન લઇ લે તે માટે અમારે લશ્કરી મદદની જરૂર છે.

અમારી પાસે સારૂ રડાર પણ નથી.

ચીને માત્ર ભારત જ નહીં પરંતુ મુકત અને સ્વતંત્ર સરકાર ધરાવતી કોઇ પણ એશિયન દેશ સામે ખતરો ઉભો કર્યો છે.

શ્રી નહેરૂનો આ પત્ર આપણા લશ્કરની કરવામાં આવેલી ઉપેક્ષાનો ચિતાર આપે છે.

આ પત્ર બાદ અમેરિકાએ એક વિમાનવાહક જહાજ ભારત તરફ રવાના કરી દીધું. તા.૨૦ નવેમ્બર ૧૯૬૨ના રોજ ચીને એકતરફી યુધ્ધવિરામ જાહેર કરી દીધો. ચીની સરકારે જાહેર કર્યુ કે સાતમી નવેમ્બર ૧૯૫૯ પહેલાં જે સરહદ હતી તેની વીસ કિલોમીટર અંદર તરફ લશ્કર પાછું જતું રહેશે. ભારતે પણ તે પ્રમાણે કરવું જરૂરી છે. જો તેઓ તેમ નહી કરે તો ચીન ફરીથી હુમલો કરવાનો અધિકાર ધરાવે છે.

ટંૂકમાં ચીને કાશ્મીરનો વ્યુહાત્મક રીતે મહત્વનો ભાગ અક્ષઇ ચીન રાખી લીધો અને બાકી બધુ પાછુ આપી દીધું.

ભારતના ૧૩૮૩ સૈનિકો શહીદ થયા. ૧૬૯૬ સૈનિકો ગુમ થઇ ગયા. સૌથી મોટુ નુકશાન તો હજી પંદર વર્ષ પહેલા સ્વતંત્ર થયેલ ભારતીય પ્રજાના નૈતિક જુસ્સા પર જબરો પ્રહાર થયો. આ જુસ્સો ફરી પાછો આવવામાં વર્ષો વીતી જશે.

શું ફાયદો થયો? હારેલ રાજ્યને કોઇ ફાયદો થાય નહીં. પરંતુ આ યુધ્ધ બાદ આપણા લશ્કરની ખામીઓ અને જરૂરિયાત પુરી કરવામાં આવી. લશ્કરના આધુનિકરણ માટે સરકાર પૈસા ખર્ચવા તૈયાર થઇ તેથી જ ૧૯૬૫માં પાકિસ્તાન સામે આપણે જીત્યા.

જનરલ થીમૈયાની વાત ન સાંભળવાની ભૂલ તત્કાલીન વડાપ્રધાન નેહરૂએ કરેલ. એ અનુભવને કારણે શ્રીમતી ગાંધીએ ૧૯૭૧માં પાકિસ્તાન સામે લડાઇ કરતા પહેલા જનરલ માણેકશાનો મત લીધો અને એ પ્રમાણે યુધ્ધ થયું.

અને અંતે...

આ યુધ્ધ બાદ ભારતીય રાજકર્તાઓને સંરક્ષણ પાછળ ખર્ચ કરવાની સમજ આવી.

લશ્કરની યોગ્ય તૈયારી ન કરવા બદલ ભારતના સંરક્ષણ પ્રધાન કૃષ્ણમેનને રાજીનામુ આપ્યું.

ભારતની પ્રજા તથા રાજકારણીઓ માટે નવા સંરક્ષણ પ્રધાન શ્રી ચવ્હાણે નેહરૂને છાવરતો રિપોર્ટ બનાવી દીધો.

ચીનની યુધ્ધ માટેની તૈયારીઓ

   બ્રીગેડીયર જે.પી.દલવી તેમના પુસ્તક હિમાલયન બ્લન્ડરમાં લખે છે કે ચીન ઘણાં સમયથી લડાઇની તૈયારી કરી રહ્યું હતું. લગભગ ૧૯૬૨ના મે મહિનાથી આ તૈયારી ચાલતી હતી.

   ચીની એજન્ટો તિબેટ ગયા હતા. તિબેટના રોડ પર કામ મજૂરોના જૂથ બનાવી લીધા હતા. તે બધા મજૂર કમ જાસૂસ આપણા દેશની લશ્કરી હિલચાલ પર નજર રાખીને બેઠા હતા.

   કોરિયન યુધ્ધના પરાક્રમી ચીની જનરલને તિબેટમાં રહેલ ચાઇનીઝ ફોર્સના વડા બનાવેલ.

   મહત્વની બધી ભારતીય ભાષાઓ જે નોર્થ ઇસ્ટ બોર્ડ પર બોલાતી હતી તેના દુભાષિયા તૈયારી કરી લીધા હતા. તેમને પહાડોમાં ઊંચાઇ પર રહેવાની, ભારતીય જનસમૂહમાં ભળી જવાની તથા ભારતીય રિવાજ અને પરંપરાની તાલિમ આપી હતી.

   ફોટોગ્રાફર અને મુવી કેમેરાના માણસોને તિબેટમાં પહોંચાડી દીધા હતા. તેઓ નમકા ચુવેલીના ફોટાઓ લઇ મોકલતા.

   તિબેટના મજબૂત અને ખડતલ પોનીઓને શસ્ત્ર સરંજામ અને અન્ય લશ્કરી જરૂરીયાત લાવવા લઇ જવા માટે તૈયાર કરી લીધા હતા. લગભગ દોઢ હજારથી વધુ પોનીના તબેલા તિબેટમાં ચીનમાં નાખી દીધા હતા.

   હજારોની સંખ્યામાં તિબેટના સ્ત્રી-પુરૂષોને મજૂર તરીકે રાખી લીધેલ જે લશ્કરનો સામાન લાવવામાં કામ લાગે.

   ચીને પોતાના અડ્ડા મેથી ઓગષ્ટ મહિના સુધીમાં બનાવી લીધેલ. આ મહિનાઓમાં તિબેટમાં વરસાદ નથી આવતો અને બરફ નથી હોતો. તેથી સ્ટોક ભરવો સહેલો હોય છે.

   ચીન પાસે માલ, શસ્ત્રસરંજામ લઇ જવાની અને પહોંચાડવાની સિસ્ટમ હતી. જે તે વિસ્તારના કમાન્ડરની તે વિસ્તારની વ્યૂહરચનાની તથા માલ અને શસ્ત્રની વ્યવસ્થા કરવાની રહેતી. પર્વતોમાં માલ પહોંચાડવાના ખોટા વાયદા ઘાતક બને છે.

   લડાઇમાં પકડાયેલ સૈનિકો માટે તેમણે કેમ્પ પણ બનાવી રાખેલ. આ કેમ્પમાં ત્રણ હજાર વ્યકિતઓને (કેદીઓને) માટે રહેવા ખાવા, પીવા, કપડા તથા સુવાની વ્યવસ્થા હતી.

   તેમણે મરમાંગ જે થાંગલાથી થોડી જ કલાક દૂર છે ત્યાં રોડ બાંધેલ. થાંગલા અને તવાંગ સામે બે-ડીવીઝન અને દોઢસો તોપ ગોઠવી દીધેલ.

   ચીની સરકારે તેમના સૈનિકોને એમ સમજાવી દીધેલ કે ભારતે ચીની જમીન પર કબ્જો કરી લીધો છે તેથી તેઓ લડે છે.

   ચીન પાસે યોગ્ય જગ્યાએ કાળજીપૂર્વક નાખેલ ટેલિફોન લાઇન હતી જેથી ચોકી જીત્યા બાદ કમાન્ડરને તુરંત ખબર મળતી.

   ટુંકમાં આ યુધ્ધ ચીને સમજી વિચારીને ગણતરીપુર્વક શરૂ કરેલ અને યુધ્ધ ભારતે શરૂ કરેલ છે એવો દુષ્પ્રચાર પણ કરેલ.

ભારતની યુધ્ધ માટેની તૈયારી

   યુધ્ધ કરવા માટે ભારતની કોઇ તૈયારી ન હતી. દુર્ભાગ્યની વાત એ હતી કે ભારત પાસે સરહદ પાર કોઇ આક્રમણ કરે તો સામનો કરવાની પણ તૈયારી ન હતી. આપણા દેશના રાજનેતાઓએ ચાઇનીઝ આક્રમણની શકયતા સંપુર્ણતઃ નકારી કાઢી હતી. આપણી તૈયારી માત્ર નાના નાના છમકલા કરવાની હતી.

   સૌ પ્રથમ આપણે કોઇ એવા મિત્ર રાજયએ સમયે ન હતા કે જે આપણી સાથે ઉભા રહે આપણા વડાપ્રધાન શ્રી નેહરૂ  દ્વારા નોન એલાઇન મુવમેન્ટ શરૂ કરેલ તે મુવમેન્ટના ભાગ રૂપે આપણે કોઇ સાથે મીલીટરી કરાર કર્યા ન હતા.

   ર૦ મી ઓકટોબર ૧૯૬રના દિવસે યુધ્ધ શરૂ થયું તે પહેલાં આપણા દેશના વડાપ્રધાન વિદેશ પ્રધાન તથા ચીફ ઓફ આર્મી શ્રી કૌલ કયાં હતા?

   પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરૂ કોમનવેલ્થના વડાપ્રધાનોની લંડનમાં કોન્ફરન્સ હતી તો તેમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી શ્રી નેહરૂ લાગોસ, નાઇજીરીયા ગયા અને ર જી ઓકટોબર૧૯૬રના રોજ દેશમાં પાછા આવ્યા. ૧ર મી ઓકટોબરે શ્રી નેહરૂ કોલંબો (શ્રીલંકા) ગયા અને ૧પ ઓકટોબરે પાછા આવ્યા.

   સંરક્ષણમંત્રી શ્રી વી.વી.કૃષ્ણમેનન યુનાઇટેડ નેશન્સની એન્યુઅલ જનરલ મીટીંગમાં સપ્ટેમ્બરમાં ગયા હતા. તેમના માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતી મહત્વની હતી. ભારત-ચાઇના સરહદ પર છમકલા તો ચાલુ જ હતા. પરંતુ તેમણે તેનું મહત્વ ખુબ ઓછુ આંકયું.

   લશ્કરના મુખ્ય અધિકારી જનરલ કૌલ શ્રીનગર રજાઓ માણવા ગયા હતા. જયારે યુધ્ધની શકતા હોય ત્યારે પુર્ણ લશ્કરની રજાઓ કેન્સલ થઇ જાય છે. જરલન  કૌલે રજી ઓકટોબર ૧૯૬૨ના રજા પરથી પાછા આવ્યા અને ર૦ ઓકટોબરના યુધ્ધ શરૂ થયું.

   આપણા હથીયારો બીજા વિશ્વ યુધ્ધના સમયના હતા જયારે હથીયારોની માંગણી કરવામાં આવી ત્યારે શ્રી કૃષ્ણમેનને ખુબ સુંદર સપના દેખાડયા જેવા કે હવે થોડા સમયમાં એરક્રાફટ અને યુધ્ધના અન્ય હથીયારો આપણા દેશમાં જ બનાવવામાં આવશે. પરંતુ હકીકતએ હતી કે આપણા જવાનો પાસે એક આધુનિક રાઇફલ હતી નહીં. બીજા વિશ્વયુધ્ધની કાટ ખાધેલ રાઇફલ હતી. હિમાલયની ઉંચાઇ પર રહેલા અને લડવા માટે પુરતા ગરમ કપડા સ્વેટર, બરફ પડતો હોય ત્યારે પહેરાય એવા જેકેટ કે રેઇનકોટ ન હતા. નેફા (અરૂણાચલપ્રદેશ)માં સિપાહીઓ માટે બરફના પહેરવા માટેના કપડા આપવાના હતા તો કાશ્મીરના સૈનિકો પરસેથી લઇ લીધા અને મોકલી આપ્યા.

   બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન હજુ નવું બન્યું હતું. કોઇ રોડ બન્યા ન હતા. રોડ બનવા માટે પરદેશથી આવનાર મશીનની રાહ જોવાઇ રહી હતી. રસ્તાઓ એવા સાંકડા હતા કે ખચ્ચર ચાલી ન શકે. વાંસના બનાવેલ પુલ નબળા હતા. ચઢાણ સીધા હતા. તેથી ધીમે ધીમે જ આગળ વધી શકાય તેમ હતું. મજુરો બહુ જ ઓછા હતા. આ સંજોગોમાં લશ્કર આગળ વધ્યુ પરંતુ તેમની પાસે ભારે અને સારા શસ્ત્રો જેવા કે તોપ ન હતા. એટલે લશ્કર જયારે ચોકી પર પહોચતુ ત્યારે તેની પરિસ્થિતિ એક પોલીસમેન જે ટોળાને કાબુ કરવા થયેલ હોય તેવી હતી.

   જરૂરી સાધનો, ખાસ પ્રકારના સાધનો, પેકટ રેશન ટીન્ડ ફૂડ, વાયરલેસ સેટ પુરતા પ્રમાણમાં હતા જ નહીં. ઘણી વખત તો સૈનિકો પાસે બુટ પણ ન હતા. બરફમાં ચાલવા માટેનો ખાસ બુટ ન હોય તો પગમાં ગેંન્ગ્રીન થઇ શકે.

   આપણી પાસે ચાઇનીઝ ભાષા સમજી શકે તેવા દુભાષિયા પણ ન હતા.

   દેશ ગરીબ છે તેથી આપણા દેશને આવા ખર્ચ ન પોસાય, તેવા ખુલાસા સરકાર કરતી. સોળ હજાર ફૂટની ઉંચાઇ પર તુરંત શકિત આપે તેવો ખોરાક એટલે મીલ્ક ચોકલેટ તો આવી કોઇ જરૂરીયાત પુરી કરવામાં આવી ન હતી.

યુદ્ધ તરફ દોરતા પ્રસંગો

   ૧૯પ૦માં તિબેટ પર આક્રમણ કરી ચીને સ્વતંત્ર તિબેટનું અસ્તિત્વ મિટાવી દીધું અને આપણે માત્ર વાતો કરી કોઇ નક્કર પગલા ન લીધા.

   ૧૯પ૪માં ચીન અને ભારત વચ્ચે 'પંચશીલ કરાર' થયા. આ કરાર હેઠળ પાંચ મુખ્ય મુદ્દા દ્વારા શાંતિ અને સુલેહ સ્થાપ્યા. શ્રી નેહરૂએ સૂત્ર આપ્યું. ''હીંદી ચીન ભાઇ ભાઇ '' પરંતુ ચાઉં એન લાઇ કે માઓ ત્સે તુંગ (એ સમયના ચીનના વડા) એવું કાંઇ ન કહ્યું. શ્રી જવાહરલાલ નેહરૂનું સ્વપ્ન હતું કે ભારત અને ચીન મળીને એશિયામાં એક ધરી બનાવે અને સુલેહથી કામ કરે.

   અક્ષઇ ચીન જવા માટે ભારતમાંથી કારાકોરમ પર્વતો ઓળંગીને જવાનું હતું. જયારે ચીન માટે ત્યાં જવાનું સહેલું હતું. ૧૯પ૬માં ચીને તિબેટ અને તેના પ્રાંત ઝીનઝીયાંગ વચ્ચે જોડતો રસ્તો બનાવ્યો. આ રસ્તો અક્ષઇ ચીનમાંથી પસાર થતો હતો. જે કાશ્મીરનો ભાગ છે અને મેકમોહન લાઇન પ્રમાણે ભારતમાં છે. ૧૯પ૭ સુધી ભારતીય સરકારને આ રસ્તા વિશે માહિતી ન હતી. આ રસ્તો ચીનના નકશા પર આવ્યો ત્યારે ખબર પડી.

   ૧૯પ૯માં તિબેટમાં ચીન સામે બળવો થયો. આ બળવાના નેતા શ્રી દલાઇ લામા હતા. ચીની લશ્કરે બળવો દાબી દીધો. દલાઇ લામા તિબેટમાંથી ભાગીને ભારત આવી ગયા. તેમની સાથે તિબેટિયન લોકો પણ આવી ગયા. ભારતે આશ્રય આપ્યો. આ વાતથી ચીન અકળી ગયું.

   ૧૯૬૦માં ચાઉં એન લાઇએ સુચન કર્યું કે ભારત અક્ષઇ ચીન પરથી પોતાનો દાવો હટાવી લેશે તો ચીન પોતાનો નેફા (અરૂણાચલ પ્રદેશ) પરથી દાવો હટાવી લેશે. પંડિત નેહરૂએ કહ્યું કે કોઇ પણ જાતની ચર્ચા ત્યારે જ શકય બનશે જયારે ચીનના લશ્કરી દળ અક્ષઇ ચીનમાંથી પાછા જશે. આ વાત આંતરરાષ્ટ્રીય સમૂહે સ્વીકારી, પરંતુ ચીને કોઇને દાદ ન આપી. ભારત ચીનના સંબંધો બગડતા ચાલ્યા.

   ભારત સરકારે આ સમય દરમ્યાન ચીન યુદ્ધ કરી શકે તેવું કદી ન વિચાર્યું અને ચીન યુદ્ધની તૈયારી કરતું હતું.

   ભારત સામે ચીન યુદ્ધ કરી શકે તેમ વિચારનાર જનરલ થીમૈયા નિવૃત થઇ ગયા. ત્યાર બાદ ચીફ ઓફ સ્ટાફ બી.એમ. કૌલને બનાવવામાં આવ્યા. કૌલને પ્રમોશન આપવા અનુભવી અને હોંશિયાર માણસોની અવગણના થઇ અને તેમણે રાજીનામા આપ્યા. 

ફોર વર્ડ પોલીસી

   ૧૯૬૧ માં નેહરૂ સરકારે શ્રી બી. એમ. કૌલને ચીફ ઓફ આર્મી બનાવ્યા. પરંતુ નહેરૂ સરકારે લશ્કર પર ખર્ચ કરવાની મનાઇ કરી દીધી. આ પોલીસી મુજબ ભારતીય સૈન્યએ ચીનના લશ્કરનાં આગળ વધતા માણસો સામે ભારતીય લશ્કરે ચોકી બનાવી તેમનો પુરવઠો કાપી નાખવો જેથી તેઓ પીછેહઠ કરે.આવી લગભગ સાઇઠ ચોકીઓ લશ્કરે બનાવી. આ પોલીસીનો હેતુ ભારતના વિસ્તારમાં જે ચીની સૈનિકો પેટ્રોલીંગ કરતા હતા ત્યાં આપણો કબ્જો જમાવવાની હતી.

   ચીનને તાઇવાન સાથે પણ યુધ્ધની શકયતાઓ દેખાતી હતી પરંતુ ર૩ જુન ૧૯૬રના રોજ યુ. એસ. એ. દ્વારા ખાતરી અપાઇ કે તાઇવાન નેશનાલીસ્ટ ચીનમાં નહી પ્રવેશે. તેથી તેઓએ ચિંતામાંથી મુકત થઇ ગયા.

   ૧૦ જૂલાઇ ૧૯૬રથી છમકલા શરૂ થઇ ગયેલ લેહની ચુલ શુલ ભારતીય ચોકીને ચીની સૈનિકોએ ઘેરી લીધી દલીલો કરી અને લાઉડસ્પીકર પર બૂમો પાડી પોતપોતાની જગ્યાએ પાછા જતા રહ્યા.

   ઓગસ્ટ મહિનામાં ચીને શસ્ત્ર સરંજામ સરહદ પર ખડકવા લાગ્યો. ધોલા પોસ્ટ જયાં ભૂતાન, અરૂણાચલ પ્રદેશ અને ચીની સરહદો મળે છે ત્યાં આઠમી સપ્ટેમ્બરે લગભગ ૬૦૦ ચીની સૈનિકો આપણી ચોકી પર ધસી આવ્યા શ્રી નેહરૂએ આદેશ આપ્યો કે જરૂર પડે ગોળી ચલાવવી. પરંતુ વીસ તારીખે તો ચીનીઓએ ગ્રેનેડો ફેંકી. તેથી આપણે વધારે સૈનિકો મોકલવાની જરૂરીયાત પડી. પરંતુ સડકો બની ન હતી માત્ર એવી કેડીઓ હતી કે સૈનિકો તો ચાલી શકે પણ ખચ્ચરો નહીં. મજૂરો હતા નહી  તેથી આપણા સૈનિકો ૩પ કિલો સામાન ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં.

   ૩જી ઓકટોબરે ચાઇનીઝ વડાપ્રધાન ચાઉ એન લાઇ દિલ્હી આવ્યા અને શ્રી નેહરૂને આશ્વાસન આપ્યું કે કોઇ લડાઇ થવાની નથી. પરંત દસમી ઓકટોબરે પંજાબ પેટ્રોલના પચાસ જેટલા ટ્રુપ સામે હજારેક ચીની સૈનિકો ધસી આવ્યા. આપણા રપ જવાન શહીદ થયા અને બાકીનાએ પીછેહઠ કરી.

   અઢારમી ઓકટોબરે સ્પષ્ટ થઇ ગયું હતું કે ચીન હવે ચોકકસ યુધ્ધ કરશે. સરહદ પર ચીની લશ્કરનો જમાવડો થઇ ગયો હતો.

: સંકલન :

ડો. સુસ્મિતા દવે

M.D. Ph.D. (પેથોલોજી),

ડો. દવે પેથોલોજી લેબોરેટરી

સ્પંદન ડાયગ્નોસ્ટીક, રાજકોટ

 MO. 93741 01374

(1:34 pm IST)