Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનનો પલટવાર : NRC-CAA નો વિરોધ કર્યા બાદ હવે ભારતને રાજી કરવાની કોશિષ : ભારત સાથે ગાઢ સબંધો રાખીશ : હું ચૂંટાઈ આવીશ તો એચ-1બી વિઝા ઉપરનો પ્રતિબંધ હટાવી લઈશ

વોશિંગટન :  અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી મુદ્દે વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરીફ ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વચ્ચે કાંટેકી ટક્કર છે.
ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને સ્થાનિક 34 લાખ જેટલા મુસ્લિમોને રાજી કરવા ભારતના એન.આર.સી.અને સી.એ.એ. કાનૂનનો  વિરોધ કર્યો હતો.ત્યારપછી હવે ભારતીય મૂળના મતદારોને રાજી કરવા તેમણે ભારત સાથે ગાઢ સબંધો રાખવાની ઘોષણા કરી છે.એટલુંજ નહીં અમેરિકાના તમામ ઇમિગ્રન્ટ્સ એચ.-1બી વિઝા ધારકોને રાજી રાખવા હવે સત્તા ઉપર આવે તો ડોનાલ્ડ ટ્રમ્પએ આ વિઝા ઉપર મુકેલો પ્રતિબંધ હટાવી લઈશ તેવું નિવેદન કર્યું છે.
તેમણે કહ્યું કે એચ-1 બી વિઝા પર આવેલા લોકોએ અમેરિકાના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી છે એટલા માટે હું મારા કાર્યકાળના પ્રથમ દિવસે જ 1.1 કરોડ દસ્તાવેજરહિત અપ્રવાસીની નાગરિકતાનો માર્ગ મોકળો કરવા માટે સંસદમાં ઈમિગ્રેશન સુધારો બિલ લાવીશ. અમારી ઈમિગ્રેશન પ્રણાલીમાં પરિવારના સભ્યોને સાથે રહેવાને મહત્ત્વ અપાશે. ભારત સાથે સંબંધ મજબૂત કરવા અમારી ટોચની પ્રાથમિકતા હશે.અમેરિકામાં 12 લાખ જેટલા ભારતીય એચ.-1બી વિઝાધારકો છે.
ઉલ્લેખનીય છે કે મોટા ભાગના ભારતીય મૂળના મતદારો ડેમોક્રેટ પાર્ટીના સમર્થક છે.પરંતુ તાજેતરમાં બદલાયેલા સમીકરણો મુજબ રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચેના ગાઢ સંબંધોને લઈને ભારતીય મતદારોનો અમુક વર્ગ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણ કરી રહ્યો છે.તેવા સંજોગોમાં સ્થાનિક લઘુમતી મતદારોને રાજી કરવા જો બિડન એક પછી એક તીર છોડી રહ્યા છે.

(12:26 pm IST)