Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

૩૫૦ હાથીના ભેદી મોતઃ જંગલમાં લાશોના ઢગલા

બોત્સવાના સરકારે કોઇ તપાસ કરાવી નથીઃ દુનિયાભરના વૈજ્ઞાનિકોની કારણ જાણવા સરકારને અપીલઃ ઝેર અપાયું કે રહસ્યમયી બિમારીથી મોત ?: વૈજ્ઞાનિકોને ભારે ચિંતા છે કે માનવીમાં રોગચાળો ન ફેલાયઃ ગોળ - ગોળ ફરીને હાથીઓ મોત પામ્યાઃ કેટલાક સીધા સુંઢના ભાગે પડયાઃ કેટલાક ધીમે ધીમે મર્યા

દક્ષિણ આફ્રિકાના  બોત્સવાનામાં ૩૫૦થી વધારે હાથીઓના રહસ્યમયી રીતે મોત  થયા છે. આ હાથીઓના   મોતનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટાભાગના હાથીઓ જળસ્ત્રોતોની નજીક મરેલા મળ્યા છે. હવે બોત્સવાનાની સરકાર એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ હાથીઓને ઝેર આપવામાં આવ્યું છે કે તેમનું મોત અજાણી બીમારીથી થયું છે.

ઉત્ત્।રી બોત્સવાના અને તેમના ઓકાવૈંગો ડેલ્ટામાં ૩૫૦થી વધારે હાથીઓના સડેલી લાશો છે. હાથીનું પહેલું રહસ્યમયી મોત મે મહિનામાં થયું હતું. ત્યારબાદ થોડા જ દિવસોની અંદર ઓકવૈંગો ડેલ્ટામાં ૧૬૯ હાથીના મોત થયા હતા.

ડેઈલી મેલમાં છપાયેલા સમાચાર પ્રમાણે જૂનના મધ્ય સુધી હાથીઓની મરવાની સંખ્યા લગભગ બે ગણી થઈ ગઈ હતી. આમાં ૭૦ ટકા હાથીઓના મોત જળસ્ત્રોતોની આસપાસ થયા હતા. બોત્સવાનાની સરકારને હજી સુધી હાથીઓના લાશોની તપાસ કરાવી નથી. 

નેશનલ પાર્ક રેસ્કયૂના ડાયરેકટર ડો. નિએલ મેક્કેનના જણાવ્યા પ્રમાણે આવું અનેક વર્ષો પછી જોવા મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં હાથીઓનું મોત થયું હોય. સામાન્ય રીતે દુષ્કાળ પડવાથી હાથીઓના આવા મોત થાય છે પરંતુ આ સમયે આટલી મોટી સંખ્યામાં મોતનું કારણ સમજવામાં આવતું નથી.

દેશ અને દુનિયાભરના વૈજ્ઞાનિકોએ બોત્સવાનાની સરકારને અપીલ કરી છે કે હાથીઓની લાશોની તપાસ કરાવવામાં આવે જેતી કરીને જાણી શકાય કે કોઈ નવી બીમારી તો નથી ફેલાઈ. વૈજ્ઞાનિકોને એ વાતથી ડરી રહ્યા છે કે હાથીઓના મોત બાદ કોઈ બીમારી માણસમાં ન ફેલાય.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે તે લોકોએ હાથીઓને ગોળ દ્યેરામાં ફરતા જોય છે. હાથીઓ આવું ત્યારે કરે છે જયારે તે જોઈ નથી શકતા. તેમની દ્રષ્ટી ત્યારે બાધીત થાય છે જયારે તે બીમાર કે પછી કોઈએ ઝેર આપ્યું હોય. બંને કારણોથી તેમની નર્વસ સિસ્ટમ નબળી પડવા લાગે છે.

ડો. મેક્કેનનું કહેવું છે કે જો તમે હાથીઓના લાશોની પડવાની સ્થિતિને જુઓ તો જાણી શકાય કે કેટલાક હાથીઓનું મોત ખૂબ જ ઝડપથી થયું છે કારણ કે તે સીધા જ ઊભા જ મોઢાના ભાગેથી પડ્યા છે. કેટલાક હાથીઓના મોત ધીમે ધીમે થયા છે. એટલા માટે એ કહેવું મુશ્કિલ છે કે આવું કેમ થયું છે.

(11:43 am IST)