Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મહારાષ્ટ્રથી ડેઇલી જતી ટ્રેનોને પશ્ચિમ બંગાળમાં નો એન્ટ્રી

કોરોના-કેસ વધતાં મુંબઈ સીએસટી-હાવડા એકસપ્રેસ હવે અઠવાડિયામાં એક જ વાર દોડશે : ચાર અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત રાજયોમાંથી દોડતી ટ્રેનો પર પણ મમતા બેનરજીએ પ્રતિબંધ મૂકયો છે

મુંબઈ,તા.૩ : દેશભરમાં કોવિડ-૧૯ કેસોમાં વધારો નોંધાતાં મમતા બેનરજીની આગેવાનીવાળી પશ્ચિમ બંગાળ સરકારે કોવિડ-૧૯થી સૌથી વધુ અસરગ્રસ્ત એવાં મહારાષ્ટ્ર અને અન્ય ચાર રાજયોની દૈનિક ટ્રેનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો છે. આ ચાર રાજયોમાં મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, ગુજરાત, તામિલનાડુ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે જયાંથી પશ્ચિમ બંગાળ જતી ટ્રેનોને અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

રેલવેની સત્તાવાર નોંધ મુજબ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવના પત્રમાં જણાવાયું છે કે વધતા જતા કોવિડ-૧૯ના ચેપને ધ્યાનમાં રાખીને રાજય સરકાર સીએસએમટી, અમદાવાદ-હાવ઼ડા અને હાવડા-અમદાવાદ સહિતના મુંબઈ સીએસએમટી-હાવડા, હાવડા-મુંબઇની દૈનિક ટ્રેનોને પ્રવેશ માટે પરવાનગી આપવા તેયાર નથી. એના બદલે ૧ જુલાઈથી આ ટ્રેનો હવે અઠવાડિયામાં ફકત એક જ વાર દોડશે, જેમણે અગાઉથી ટિકિટ બુક કરાવી હતી તેમને રીફન્ડ મળશે.

ભારતીય રેલવેએ શ્રમિક વિશેષ ટ્રેનો શરૂ કરી હતી ત્યાર પણ પશ્યિમ બંગાળની સરકાર ભારતીય રેલવે સાથે વિવાદમાં ઊતરી હતી. મમતા બેનરજીએ આ ટ્રેનોને કોરોના એકસપ્રેસ બોલાવી હતી અને કહ્યું હતું કે ભારતીય રેલવે હોટસ્પોટ વિસ્તારોમાંથી લોકોને મોટી સંખ્યામાં લાવી રહી છે, જે જાહેર આરોગ્યનો મોટો મુદ્દો છે.

(11:16 am IST)