Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અસામમાં પૂરથી ૩૩ અને ભૂસ્ખલનથી ૨૪નાં મોત

કોરોનાના કહેરની વચ્ચે પૂરનો પ્રકોપ : રાજ્યના ૩૩ પૈકી ૨૩ જિલ્લામાં રહેતા ૧૪.૯૫ લાખથી વધુ લોકો પુરથી પ્રભાવિત થતાં સરકારની મુશ્કેલી વધી

ગુવાહાટી, તા. : અસામમાં પૂર અને તેનાથી સંબંધિત ઘટનાઓમાં સાત વધુ લોકોના મોત થયા છે, જ્યારે વિવિધ સ્થાનો પર તટબંધો, રોડ, પુલો અને અન્ય પાયાની માળખાકીય સુવિધાને નુકસાન પહોંચવાની સાથે ૧૫ લાખ લોકો પ્રભાવિત થયા છે. અસામના પૂરમાં હમણાં સુધી ૩૩ લોકોના મોત થયા છે, જ્યારે ૨૪ લોકોના મોત ભૂસ્ખલનના કારણે થયા છે. અસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર બુધવારે બરપેટા જિલ્લામાં ત્રણ વ્યક્તિઓના અને ધુબરી, નગાંવ અને નલબાડીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે કછાર જિલ્લામાં ભૂસ્ખલનથી ૫૦ વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે. ઓથોરિટીએ જણાવ્યું કે રાજ્યના ૩૩ જિલ્લામાંથી ૨૩ જિલ્લામાં રહેતા લગભગ ૧૪.૯૫ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

          બ્રહ્મપુત્ર અને તેમની સહાયક નદીઓ કેટલાયે સ્થાને ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્ર નદીના જળસ્તર ગુવાહાટી, જોરહાટમાં નિમતીઘાટ, તેજપુરમાં સોનિતપુર, ગોઆલપાડા અને ધુબરીમાં ખતરાથી નિશાનથી ઉપર વહી રહી છે. માજુલી અને વેસ્ટ કર્બી આંગલોંગ જિલ્લામાં પૂરનું પાણી ઓછું થયું છે. પરંતુ ધેમાજી, લખીમપુર, વિશ્વનાથ, ચિરાગ, દરાંગ, નલબાડી, બરપેટા સહિત અન્ય સાત જિલ્લામાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું છે. અસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા અનુસાર, બરપેટા જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીંયા લગભગ .૯૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ત્યારબાદ દક્ષિણ સાલમારામાં લગભગ .૯૫ લાખ અને ગોઆલપાડામાં લગભગ ૯૪ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ૧લી જુલાઈથી વહીવટી તંત્રે ત્રણ જિલ્લાના લગભગ ૪૨૨૧ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

          ઓથોરિટીના કહેવા અનુસાર, વર્તમાનમાં રાજ્યના લગભગ ૨૧૯૭ ગામમાં પૂરના પાણી ભરાઈ ગયા છે અને લગભગ ૮૭૦૧૮.૧૭ હેક્ટર ક્ષેત્રમાં ખેતીનો ઉભો પાક બરબાદ થયો છે. રાજ્યના ૧૫ જિલ્લામાં બનાવેલી ૨૫૪ રાહત શિબિરોમાં લગભગ ૧૫૨૮૯ લોકોએ શરણ લીધું છેઅત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને અસામમાં પૂરના કારણે ૧૧ જિલ્લાના ૩૨૧ ગામોમાં લગભગ ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે ગોઆલપાડા જિલ્લો પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં બે લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અસામના પૂરગ્રસ્ત જિલ્લામાં મોટા પ્રમાણમાં રોડ-રસ્તા ધોવાઈ ગયા છે.

(12:00 am IST)