Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ભારત રશિયા પાસેથી ૧૨ સુખોઈ, ૨૧ મિગ-૨૯ યુદ્ધ વિમાન ખરીદશે

ચીન સાથે તણાવ વચ્ચે ભારતનો મહત્વનો સોદો : ૧૮૧૪૮ કરોડ રુપિયાની ખર્ચ થશે, દેશના સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી, સૈન્યશક્તિ વધારવા ભારત સક્રિય : વર્તમાન યુદ્ધ વિમાનોને અપગ્રેડ કરાશે

 નવી દિલ્હી, તા. : લદાખમાં ચીનની સાથે વધતા તણાવની વચ્ચે ભારત સરકાર સતત સૈન્યશક્તિ વધુ મજબૂત કરવા સક્રિય થયું છે. કેટલાક સમય પહેલાં ભારત સરકારે ત્રણેય સેનાઓને બોંબ અને ઘાતક હથિયાર ખરીદવા માટે ઈમરજન્સી નાણાકીય શક્તિ પ્રદાન કરી હતી. ત્યારબાદ હવે ભારત અને રશિયા વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે રશિયા પાસેથી ૩૩ નવા યુદ્ધ વિમાન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ભારત રશિયા પાસેથી ૧૨ નવા સુખોઈ-૩૦ અને ૨૧ નવા મિગ-૨૯ યુદ્ધ વિમાન ખરીદશે.

        આ સિવાય ૫૯ વર્તમાન મિગ-૨૯ અપગ્રેડ પણ કરાશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એમાં કુલ ૧૮૧૪૮ કરોડ રુપિયાની ખર્ચ થશે. બંને દેશોની વચ્ચે થનાર સૌથી મોટી અને મહત્વપૂર્ણ ડીલનો નિર્ણય ડિફેન્સ એક્ઝિવિશન કાઉન્સિલે લીધો છે. ૨૧ મિગ-૨૯ વિમાન ખરીદવા અને મિગ-૨૯ના વર્તમાન યુદ્ધ વિમાનોને અપગ્રેડ કરવામાં સરકારને ૭૪૧૮ કરોડ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. અધિકારીઓના કહેવા અનુસાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લીમિડેટથી ૧૨ નવા સુખોઈ-૩૦ વિમાન ખરીદવામાં ૧૦૭૩૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે. સંરક્ષણ મંત્રાલયે ૨૪૮ અસ્ત્ર એર મિસાઈલની ખરીદીની પણ મંજૂરી આપી છે.

        આ મિસાઈલ ભારતીય વાયુસેના અને નૌકાદળ બંનેને કામ આવી શકશે. સાથે ડીઆરડીઓ દ્વારા બનાવેલી ૧૦૦૦ હજાર કિલોમીટર રેન્જવાળી ક્રૂઝ મિસાઈલની ડિઝાઈનને મંજૂરી મળી ગઈ છે. ડિફેન્સ એક્ઝિવિશન કાઉન્સિલ ૩૮૯૦૦ કરોડ રુપિયાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ, જેમાંથી ૩૧૧૩૦ કરોડ રુપિયાના અધિગ્રહણ ભારતીય ઈન્ડસ્ટ્રીમાં થશે. પિનાકા રોકેટ લોન્ચર, બીએમપી કોમ્બેટ, વ્હીકલ અપગ્રેડ અને સૈન્ય માટે સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયોને પણ મંજૂરી અપાઈ છે. સૂત્રોના કહેવા અનુસાર ભારતે નિર્ણય ચીન સાથી સરહદ પર વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચીની સૈન્ય સાથેની અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

(12:00 am IST)