Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

INX મીડિયા કેસઃ ચિદમ્બરની ૧ ઓગસ્ટ સુધી ધરપકડ નહીં કરવા HCનો આદેશ

અગાઉના ૩ જુલાઈ સુધી ધરપકડ નહીં કરવાની રાહત વધુ લંબાવાતા પૂર્વ નાણાં મંત્રીને રાહત

નવીદિલ્હી, તા.૩: દિલ્હી હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી ચિદમ્બરમને INX મીડિયા કેસમાં ધરપકડથી બચવા વચગાળાની રાહત લંબાવી છે. દિલ્હી હાઈકોર્ટે ૧ ઓગસ્ટ સુધી પી ચિદમ્બરમની ધરપકડ નહીં કરવા આદેશ કર્યો છે. જસ્ટિસ એ કે પાઠક, જેમણે અગાઉ વચગાળાના રક્ષણની મંજૂરી આપી હતી તેમણે જ વધુ એક માસ સુધી રાહત લંબાવતો આદેશ આપ્યો હતો.અગાઉ ૩૧ મેના હાઈકોર્ટે કોંગ્રેના દિગજ્જ નેતાને આ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈને પૂછપરછમાં સહયોગ આપવા ને જયારે પણ બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવા જણાવ્યું હતું. સીબીઆઈએ આ પૂર્વે કોર્ટની સુનાવણીમાં ચિદમ્બરના વચગાળાના જામીનનો વિરોધ કર્યો હતો. સીબીઆઈએ એવી દલીલ કરી હતી કે પૂર્વ નાણાં મંત્રીએ હાઈકોર્ટ પહેલા નીચલી કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરવી જોઈએ. ચિદમ્બરમે વચગાળાના જામીન માટેની અરજીમાં એવી દલીલ કરી હતી કે તેમની આ કેસમાં સંડોવણી નહીં હોવા છતા તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ૩૦ મેના ચિદમ્બર એરસેલ-મેકિસસ સોદામાં ધરપકડથી બચવા ટ્રાયલ કોર્ટમાં દોડી ગયા હતા. ૩,૫૦૦ કરોડના સોદામાં સીનિયર કોંગ્રેસ નેતાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી હતી. યુપીએ-૧ દરમિયાન વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ (FIPB) દ્વારા એરસેલ મેકિસસ તેમજ આઈએનએકસ મીડિયાની રોકાણ દરખાસ્તને મંજૂરી અપાઈ હતી.

(3:31 pm IST)