Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

લાંબા સમયના શારીરિક સંબંધોને વાસ્તવિક લગ્ન ગણાવી શકાય?

સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા નક્કી કરવા માટે સરકાર પાસે માગ્યો અભિપ્રાય

નવી દિલ્હી તા.૩: લાંબા સમયના શારીરિક સંબંધોને વાસ્તવિક લગ્ન ગણાવી શકાય અને જો ગણાવી શકાય તો ઓછામાં ઓછાં કેટલાં વર્ષના સંબંધોને લગ્ન જેવા ગણાવાય? સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારનો અભિપ્રાય મગાવ્યો છે કે લાંબા સમયના શારીરિક સંબંધોને વાસ્તવિક લગ્ન ગણાવી આવા સંબંધોના પુરૂષ સાથીદારોને કાયદેસર રીતે જવાબદારીઓના બંધનમાં બાંધી શકાય?

કોર્ટની બેન્ચે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલને એડિશનલ સોલિસિટર જનરલની નિમણૂંક કરી આવા કેસોમાં પેદા થયેલી કાનુની ગૂંચવણને ઉકેલવામાં કોર્ટની મદદ કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત કોર્ટે તેમને મદદ કરવા સિનિયર એડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીની કોર્ટના મિત્ર (અમાઇકસ કયુરી) તરીકે નિમણૂંક કરી છે.

બેન્ચે નોંધ્યું હતું કે, 'એવા અનેક કેસ છે જયાં લાંબા સમયના સહવાસ બાદ પણ સંબંધોમાં બળાત્કારના આરોપ થાય છે. પુરુષ સાથીદારને જવાબદાર ઠરાવી શકાતો નથી, પરંતુ આવા લાંબા સંબંધોનો મેરેજ ગણાવીને પુરુષ સાથીદાર પર લગ્ન જેવી જ કેટલીક જવાબદારીઓ નાખી શકાય છે'

જોકે પ્રશ્ન એ છે કે લાંબા ગાળાના સહવાસને પગલે સહમતીથી સંબંધ બાંધવામાં આવ્યો હોય એવા સમયે અરજદાર (પુરુષ સાથીદાર) ને કહેવાતા ગુના બદલ જવાબદાર ભલે ન ગણાવી શકાય, પરંતુ લાંબા ગાળાના સહવાસને વાસ્તવિક લગ્ન ગણાવીને તેને કેટલીક સામાજિક જવાબદારીઓમાં તો બાંધી જ શકાય છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 'આ અર્થઘટનને ધ્યાનમાં લેવું એટલા માટે જરૂરી છે કે જેથી સંબંધમાંની સાથીદાર મહિલા કે યુવતી શોષણનો શિકાર ન બને અને સાહચર્યને કારણે ફોજદારી ગુનો ન થયો હોય તો પણ નિરુપાય ન રહી જાય.' (૧.૨)

 

(11:47 am IST)