Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ખેડૂતો માટે ખુશખબરઃ ખરીફ પાક માટે MSP વધશેઃ ૧૫૦૦૦ કરોડની યોજના

ચૂંટણીના વર્ષમાં મોદી સરકાર ખેડૂતો માટે રાહતલક્ષી ન્યુનત્તમ સમર્થન મૂલ્ય જાહેર કરશેઃ કાલે કેબીનેટની બેઠકમાં નિર્ણયઃ કુલ ૧૩ જેટલા પાક માટેનું આકર્ષક ન્યુનત્તમ સમર્થન મૂલ્ય જાહેર કરાશેઃ મકાઈમાં ૨૭૫, મગફળી ૪૪૦, કોટન ૧૬૦, સોયાબીન ૩૪૦, રાગી ૧૦૦૦, અડદ ૨૦૦, તુવેર ૨૨૫ રૂ.નો વધારો કરાશેઃ ખરીફ પાક માટે ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ૨૦૦થી ૪૦૦ વધી જશે

નવી દિલ્હી, તા. ૩ :. લોકસભાની ચૂંટણી માટે હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. ખેડૂતો માટે ખુશખબરી એ છે કે સરકાર મોટાભાગના ખરીફ પાકનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય વધારવાની છે. ખરીફ પાક માટે ૨૦૦ થી ૪૦૦ રૂ. સમર્થન મૂલ્ય વધી જશે. મોદી સરકારે બજેટમાં ખેડૂતોને તેલની ઉપજના દોઢ ગણા ભાવ આપવાનું વચન આપ્યુ હતુ. હવે સમય આવી ગયો છે. હાલ દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવણીનુ કામ ચાલુ છે. સમર્થન મૂલ્ય જાહેર થવાથી ખેડૂતોને એ અંદાજ મળી જશે કે તેમણે કયો પાક વાવવાનો છે ? સરકાર ખેડૂતોને લાભકારી ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) અપાવવા માટે ૧૫૦૦૦ કરોડનો ખર્ચ કરશે. સરકાર એમએસપી વધારવા અને ખેડૂતોને ખેતીની પડતરનુ દોઢગણુ વળતર આપવા માગે છે. આ અંગેનો નિર્ણય આવતીકાલે મળનારી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં લેવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મકાઈનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ૨૭૫ રૂ. વધારવામાં આવશે. આ જ રીતે મગફળીની એમએસપી ૪૪૦, કોટનની ૧૬૦ રૂ. વધારાશે. સોયાબીનનુ સમર્થન મૂલ્ય ૩૪૦ રૂ. વધારાશે. ગયા વખતે સરકારે સોયાબીનનું એમએસપી ૨૦૦ રૂ.નું બોનસ આપીને પ્રતિ કવીન્ટલ રૂ. ૩૫૦ કર્યુ હતું. રાગીનુ એમએસપી ૧૦૦૦ રૂ., અડદનો ભાવ ૨૦૦ રૂ. અને તુવેરના ભાવમાં ૨૫૦ રૂ.નો વધારો કરાશે. રાગીનું સમર્થન મૂલ્ય ગયા વર્ષે ૧૯૦૦ રૂ. કરાયુ હતું. આ જ પ્રકારે અડદનું પણ ૨૦૦ રૂ.નું બોનસ આપીને સમર્થન મૂલ્ય પ્રતિ કવીન્ટલ ૫૫૭૫ રૂ. કરાયુ હતું.

સરકાર ડાંગરનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ૨૦૦ રૂ. વધારીને ૧૭૫૦ પ્રતિ કવીન્ટલ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૩ અન્ય ખરીફ પાકના ન્યુનત્તમ સમર્થન મૂલ્યમા પણ સારો એવો વધારો કરાશે. ડાંગરના ન્યુનત્તમ સમર્થન મૂલ્યમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કરાશે. આ પહેલા ડાંગરના ન્યુનત્તમ સમર્થન મૂલ્યમાં ૧૫૫ રૂ. એક દાયકા પહેલા ૨૦૦૮-૦૯માં યુપીએ સરકારે વધાર્યુ હતું. યુપીએ સરકારે ચૂંટણીના વર્ષમાં આવુ કર્યુ હતુ હવે મોદી સરકાર આવુ કરી રહી છે.(૨-૯)

(11:40 am IST)