Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતમાં વધતો મૃત્યુઆંક : અત્યાર સુધીમાં 70 લોકોના મોત: 350થી વધુ લોકો ઘાયલ

ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતને પગલે હાવડાથી દક્ષિણ ભારતની તમામ ટ્રેનો રદ કરાઈ

ઓડિશાના બાલાસોરમાં આજે સાંજે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 70 લોકોના મોત તેમજ 350થી વધુ લોકો ઘાયલ થયા છે

  ઓડિશાના બાલાસોર પાસે ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતને પગલે હાવડાથી દક્ષિણ ભારતની તમામ ટ્રેનો રદ કરાઈ છે. સાઉથ ઈસ્ટર્ન રેલવે તરફથી શુક્રવારે સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.

  નિવેદનમાં જણાવાયું છે કે, સાંજે કોરોમંડલ એક્સપ્રેસ બાલાસોરથી 20 કિમી દૂર બહાનાગા બજાર સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે, જેમાં અનેક લોકોના મોત થયાના અહેવાલો છે. હાલ રેલવે દ્વારા આ બાબતે કોઈ ડેટા સ્પષ્ટ કરાયો નથી.

 આ અકસ્માત બાદ હાવડાથી દક્ષિણ ભારત જતી તમામ ટ્રેનો રદ કરાઈ છે. ઓડિશા જતી ટ્રેનો પણ રદ કરાઈ છે, જેના કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જે ટ્રેનો રદ કરાઈ છે તેમાં અપ જગન્નાથ એક્સપ્રેસ, અપ પુરી એક્સપ્રેસ, યશવંતપુર એક્સપ્રેસ અને ચેન્નાઈ મેલનો સમાવેશ થાય છે.

(12:42 am IST)