Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

દિલ્હીમાં સંઘનો મુકામ : ત્રણ દિવસીય સંકલન બેઠક : મોહન ભાગવત સહિતના ટોચના નેતાઓની હાજરી

બેઠકમાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, પૂર્વ સરકાર્યવાહ સુરેશ જોશી, સહ કાર્યવાહ ડો. કૃષ્ણગોપાલ, સરકાર્યવાહ મનમોહન વૈદ્ય અને અરુણકુમાર સહિતના સંઘના વરિષ્ઠ અધિકારી હાજર રહેશે: સંઘના વિવિધ સંગઠનોના પ્રમુખ પણ બેઠકમાં જોડાશે

નવી દિલ્હી : ગુરુવારથી દિલ્હીમાં સંઘનો ડેરો છે. રાષ્ટ્રીય સ્વંય સંઘની ત્રણ દિવસીય સંકલન બેઠકમાં મોહન ભાગવત સહિત સંઘના ટોચના નેતાઓની હાજરી હશે. સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત આજે દિલ્હી પહોંચી ગયા.છે

બેઠકમાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, પૂર્વ સરકાર્યવાહ સુરેશ જોશી, સહ કાર્યવાહ ડો. કૃષ્ણગોપાલ, સરકાર્યવાહ મનમોહન વૈદ્ય અને અરુણકુમાર સહિતના સંઘના વરિષ્ઠ અધિકારી હાજર રહેશે. ઉપરાંત સંઘના વિવિધ સંગઠનોના પ્રમુખ પણ બેઠકમાં આવવાના છે. પરંતુ તેમનો સમય અલગ-અલગ રહેશે. કેટલાક સંગઠનોના નેતા ઓનલાઇન પણ જોડાશે.

 

આ બેઠક અંગે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું કે સંઘ પ્રમુખ મોહન ભાગવત ત્રણ દિવસ દિલ્હીમાં જ રહેશે. તેઓ સંઘના કેન્દ્રીય પદાધિકારીઓ સામે અનેક વિષયો પર વિચાર-વિમર્શ કરશે.

ભાજપ તરફથી રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને સંગઠનના મહામંત્રી બીએલ સંતોષ પણ સંઘની બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં કોરોનાકાળમાં સામાન્ય મનુષ્ય સુધી પહોંચવા અને તેમની સાથે સંકટની ઘડીમાં ઊભા રહેવાની યોજના હેઠળના વિવિધ મુદ્દાઓ અંગે સંઘના સંગઠનોને દિશાનિર્દેશ અપાશે, તેવી સંભાવના છે.

સૂત્રો મૂજબ સંઘ પ્રમુખ બેઠકમાં કોરાનાને લીધે અસર પામેલ ગરીબમાં ગરીબ અને અનાથ બાળકો ખાસ કરીને કિશોરીઓના અભ્યાસની જવાબદારી સંઘ પરિવાર અને તેના સંગઠનોને ઉઠાવવાનો આદેશ આપી શકે છે. તેના માટે each one teach one (દરેક જણ કોઇ એકને શીખવે) મંત્ર પણ સંઘ પ્રમુખ આપી શકે છે.

આ મંત્ર હેઠળ દેશભરના દરેક જિલ્લામાં સમાજના લોકોની જ ટીમ બનાવી ગરીબ અને અનાથ બાળકોના શિક્ષણ વ્યવસ્થા પર ભાર મૂકી શકાશે. સંઘની યોજના મુજબ પ્રથમ તબક્કામાં યુપીના 5000 બાળકોને ભણાવવાની સંઘના કાર્યકરો જવાબદારી ઉપાડશે.

દેશભરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ખરાબ સ્થિતિ અંગે પણ સંઘ ચિંતિત છે. તેના માટે કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકારો સાથે યોજના બનાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ સુધારવામાં આવશે. જેથી ગામોમાં તબીબી સુવિધા યોગ્યરીતે મળી શકે.

રિપોર્ટ મુજબ આ બેઠકમાં દેશના મંદિરોને સામાજિક કાર્યમાં કેવી રીતે જોડવામાં આવે તે અંગે પણ ચર્ચા થઇ શકે છે. ઉપરાંત સામાજિક કાર્યો માટે સંઘ સરકાર સિવાય સમાજસેવી સંગઠનો અને ખાનગી એનજીઓની પણ મદદ લઇ શકે છે

(12:08 am IST)