Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અંતર, માસ્ક, આંખના રક્ષણથી કોરોનાને રોકવામાં મદદ મળશે

તકેદારી રાખવામાં આવે તો રોગથી બચી શકાય : ભારત જેવા અતિ ગીચતા ધરાવતા દેશમાં આવું અંતર જાળવવાનું ખાસ્સું એવું મુશ્કેલ હોવાનું અભ્યાસનું તારણ

 ટોરન્ટો, તા. ૩  : એક વ્યક્તિ વચ્ચે મીટર અથવા વધુનું ફીઝિકલ અંતર હોય તો તે કોરોનાનો ચેપ ફેલવવામાં અવરોધક થઇ શકે છે તેમ તાજેતરના એક અભ્યાસમાં જણાવાયું છે. જોકે ભારત જેવા અતિ ગીચતા ધરાવતા દેશમાં આવું અંતર જાળવવાનું ખાસ્સું મુશ્કેલ છે. અભ્યાસમાં ઉમેરાયું છે કે ફેસ માસ્ક્સ અને આઇ પ્રોટેક્શન હોય તો ચેપના જોખમમાં ઘટાડો થઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠને શરૂ કરેલા હાલના પૂરાવાની સિસ્ટેમેટિક સમીક્ષામાં આ બાબત જાણવા મળી છે તેમ સંશોધકોનું કહેવું છે. કેનેડામાં મેકમાસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર હોલ્ગર શૂનેમેને જણાવ્યું હતું કે ફીઝિકલ ડિસ્ટેન્સિંગને કારણે કોરોનાના કેસોમાં ઝડપી ઘટાડો આવી શકે છે. જોકે સીધા પૂરાવા મર્યાદિત છે, કોમ્યુનિટીમાં માસ્ક્સનો ઉપયોગ રક્ષણ આપે છે. આ ઉપરાંત આરોગ્યકર્મીઓ એન૯૫ અથવા એવા જ માસ્ક્સ પહેરે તો તેનાથી વધુ રક્ષણ મળી શકે છે.

          સંશોધનકર્તાઓએ નોંધ્યું હતું કે ઉપલબ્ધતા અને શક્યતા તેમજ અન્ય સંદર્ભલક્ષી પરિબળોથી કદાચ એવી ભલામણો કરવી પડી હશે કે સંગઠનો તેના ઉપયોગ અંગે વિકાસ કરશે અને આંખનું રક્ષણ કરાય તો તેનાથી વધારાના લાભો મળી શકે છે. આંતરરાષ્ટ્રીય સંશોધનકર્તાઓના જૂથે કોરોના અંગે સીધા પૂરાવાની સાથે કોરોનાના કારણરૂપ સેવિયર એક્યુટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ (એસએઆરએસ) અને મિડલ ઇસ્ટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ (એમઇઆરએસ)ના આડકતરા પૂરાવાની ચકાસણી કરી હતી.  તેમણે કોરોના વાયરસને લગતા વિવિધ અભ્યાસોની ચકાસણી કરી હતી. તેમાં કોરોના કાળના પ્રારંભથી લઇને મે ૨૦૨૦ સુધી ૧૬ દેશો અને છ ઉપખંડોમાં આરોગ્ય સંભાળ અને બિન-આરોગ્ય સંભાળમાં ૪૪ જેટલા સંભવિત તુલનાત્મક અભ્યાસોને આવરી લેવાયા હતા. સંશોધનકર્તાઓએ નોંધ્યું હતું કે તેમને વધુ વૈશ્વિક, કોલેબોરેટિવ અને સારીરીતે હાથ ધરાયેલા અભ્યાસોની જરૂર છે. માસ્ક માટે મોટા રેન્ડોમાઇઝ્ડ ટ્રાયલ્સ હાલમાં ચાલી રહ્યા છે અને તેની તાતી જરૂર છે.

(7:53 pm IST)